________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૪
શંકા :- સિદ્ધોને ક્ષાયિકચારિત્ર કેવી રીતે હોઈ શકે ?
૯૧
સમાધાન :- ચારિત્રનો અર્થ છે અશુભયોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ. સિદ્ધોને યોગ હોતા નથી માટે તેમને ક્ષાયિકચારિત્ર ન હોય. આ વ્યવહારચારિત્રની વાત થઈ. પરંતુ ચારિત્રનો બીજો ભેદ છે નિશ્ચયચારિત્ર, અર્થાત્ ચારિત્રમોહનીયના ક્ષયથી પ્રગટેલ નિજગુણ સ્થિરતા. તેથી કહી શકાય કે સિદ્ધ ભગવંતોમાં પણ નિશ્ચયચારિત્ર છે જ.
શંકા : - ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર ક્યા ગુણઠાણે હોય ?
સમાધાન :- ક્ષાયિકસમ્યક્ત્વ ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય અને ક્ષાયિકચારિત્ર ૧૨ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય.
શંકા :- ક્ષાયિકભાવ પામવા શું કરવું જોઈએ ?
સમાધાન :- ક્ષાયિકભાવ એટલે આવ્યા પછી તેનો ક્યારેય નાશ થતો નથી તેવો
ભાવ. આ ભાવ સાદિઅનંત છે અર્થાત્ જેની શરૂઆત(સાદિ) છે પણ અંત નથી.
સંસારવર્તી જીવોએ સાદિઅનંત સ્થિતિને પ્રાપ્ત કરવા ઘાતીકર્મનો ક્ષય કરી ક્ષાયિકભાવના નવ ભેદોને પામવા માટે પ્રબળ પુરુષાર્થ આદરવો જરૂરી છે. સિદ્ધભગવંતો સદાકાળ આ ભાવમાં વર્તે જ છે.
શંકા :- સિદ્ધોમાં કે કેવલી ભગવંતમાં ઘાતીકર્મનો ક્ષય થવાથી ચાર જ ગુણો પ્રગટે છે તો અહીં નવ ભાવ કેવી રીતે કહ્યા ?
સમાધાન :- પ્રશ્ન વ્યાજબી છે. ઘાતીકર્મોના ક્ષયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય એ ચાર ગુણો પ્રગટ થાય છે. હવે ‘અનંતવીર્ય’ ગુણમાં દાન,લાભ,ભોગ, ઉપભોગ એ ચારે સમાયેલા છે. તેમજ ચારિત્ર, સમ્યક્ત્વપૂર્વક જ સ્વીકારેલું છે જે મોહનીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે અર્થાત્ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર પણ છે. આમ અનંતજ્ઞાન, અનંતદર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયિકચારિત્ર મળીને ક્ષાયિકભાવના નવ ભેદો થાય છે.
શંકા :- સિદ્ધ ભગવંતોમાં દાનાદિ લબ્ધિ પંચક કેવી રીતે ઘટે ?
સમાધાન :- આ પ્રશ્નનું સમાધાન પણ નિશ્ચય દૃષ્ટિએ જ વિચારીએ તો શંકાનું નિવારણ થશે.