________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૧
૮૩
ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. જેમ કચરો નીચે બેસી જવાથી પાણી સ્વચ્છ દેખાય છે તેમ કર્મનો ઉદય રોકાઈ જતાં ઉપશમભાવ (ઔપશમિકભાવ) ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રગટ થાય છે.
(૨) ક્ષાયિકભાવ : ચાર ઘાતી કર્મોના સર્વથા ક્ષયથી જે ગુણો પ્રગટ થાય તેને ક્ષાયિકભાવ કહેવાય છે. ક્ષય એટલે ઘાતકર્મોનો સર્વથા નાશ.
બળી ગયેલા કોલસા કે લાકડામાંથી કદાપિ અગ્નિ પ્રગટ થતો નથી, તેમ સત્તાગત કર્મોનો સર્વથા વિચ્છેદ (નાશ) થતાં ફરીથી કર્મો પ્રગટ થતાં નથી.
જેમ કચરાવાળા મલિન પાણીમાંથી બધો જ કચરો નીકળી જતાં પાણી નિર્મળ થાય છે તેમ આત્મામાંથી કર્મના કચરાનો ક્ષય થતાં આત્મા નિર્મળ બની જાય છે. આ નિર્મળતા અનંતકાળ સુધી રહે છે.
(૩) મિશ્ર એટલે કે ક્ષાયોપથમિક ભાવ: કર્મોના ક્ષય અને ઉપશમ એમ બંન્નેના મિશ્રણથી ઉત્પન્ન થતો ભાવ તે મિશ્રભાવ અથવા ક્ષાયોપથમિકભાવ કહેવાય છે.
ક્ષયોપશમ એ આત્માની એવા પ્રકારની વિશુદ્ધિ છે જેમાં કર્મના ઉદયમાં નહિ આવેલા અંશનો ઉપશમ થાય છે. અને ઉદયમાં આવેલા અંશનો ક્ષય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ચાર ઘાતી કર્મોના ઉદયમાં આવેલા રસની તીવ્રતા મંદ કરવી અને મંદ કરેલા રસને ભોગવવું તે ક્ષય અને ઉદયમાં નહિ આવેલા કર્મોના રસને દબાવવો તે ઉપશમ. આ રીતે ક્ષય અને ઉપશમ બંનેના મિશ્રણથી ક્ષાયોપથમિક ભાવ પ્રગટ થાય છે.
(૪) ઔદયિક ભાવ:- ક્રર્મોના ઉદયથી થતા ભાવોને ઔદયિકભાવ કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળનો અનુભવ.
(૫) પારિણામિક ભાવ - પરિણામથી (સહજ સ્વાભાવથી) ઉત્પન્ન થતા ભાવોને પારિણામિક ભાવ કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું સ્વરૂપ, જેમ કે સાકરમાં રહેલી મીઠાશ, લીમડામાં રહેલી કડવાશ.
ભવ્યપણુ, અભવ્યપણુ, જીવમાં રહેલું જીવપણુ, અજીવમાં રહેલું અજીવપણ તે પારિણામિક ભાવ કહેવાય છે. પારિણામિક ભાવોમાં કોઈ નિમિત્તની જરૂર રહેતી નથી. નિમિત્ત વિના જ પારિણામિક ભાવો દ્રવ્યોમાં સ્વાભાવિક પણે જ રહેલા છે.