________________
બેસતા વર્ષે વાલકેશ્વરમાં દર વર્ષે દિવાળીમાં આવતા ન્યૂજર્સી (USA) વાસી ડૉ. અરવિંદભાઈ સાથે પહેલી વાર મળ્યા. તે વખતે ખ્યાલ આવ્યો, ચંદ્રકાંતભાઈ વિદેશમાં રહ્યા રહ્યા નિઃસ્વાર્થ રીતે જૈનધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. પૂ. ગુરુજીએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા. છેલ્લે વિ.સં. ૨૦૬૩ માં ખંભાતમાં મળ્યા. પછી તો તેમનું ધર્મપ્રસારનું કાર્ય ખૂબ વધ્યું. અમેરિકાના વિવિધ પ્રાન્તોમાં તેમજ બીજા અનેક દેશોમાં પર્યુષણાદિક માટે જવા લાગ્યા. અમેરિકામાં “તત્ત્વાર્થસૂત્ર” ના પાઠ શરૂ કર્યા તે દ્વારા ત્યાં રહેતા જિજ્ઞાસુ જીવોની જિજ્ઞાસા વધવા લાગી, તે કારણે તેમનો ક્ષયોપશમ વધતો ગયો. તેમના તત્ત્વાર્થસૂત્રના પ્રવચનની યુ-ટ્યુબમાં પ્રસારીત વીડીયો દ્વારા વિશ્વમાં રહેતા ધાર્મિક જીવોને પણ જૈનદર્શનના પદાર્થો જાણવા મળી રહ્યા છે.
અમેરિકામાં ન્યુજર્સીમાં ચાર વર્ષ સુધી તત્ત્વાર્થસૂત્ર ઉપર ચાલેલા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીઓની એક ઉત્કટ ઈચ્છા હતી કે તત્ત્વાર્થસૂત્ર ઉપર આપ વિવેચન લખી પુસ્તકરૂપે પ્રકાશિત કરો તો પ્રચાર સર્વત્ર થાય અને સર્વજનગ્રાહ્ય બને, અન્ય જીવો પણ પદાર્થોનું જ્ઞાન સરળતાથી લઈ શકે.
અમે સંપૂર્ણ પુસ્તક જોયું નથી, માત્ર ૧, ૩, ૫ અધ્યાયનું લખાણ જ સામાન્યથી નિરીક્ષણ કર્યું છે. તેથી વિશેષ વિચારણા કરી નથી. વધારે વિશ્લેષણ કર્યું નથી. તેમણે સૂત્રોના પદાર્થોનો બોધ અલ્પબુદ્ધિવંતને પણ સારો, સ્પષ્ટ અને સહજ રીતે થાય તે વાત સતત ધ્યાનમાં રાખી છે. દરેક અધ્યાયને અંતે અધ્યાયના વિષયની ટૂંકમાં સમજ, વાચકને કેટલો ખ્યાલ આવ્યો છે, તે માટે આધુનિક પદ્ધતિ મુજબ અધ્યાયને અંતે પ્રશ્નપત્રો-કસોટીપત્રો મૂક્યા છે. વાસ્તવમાં પરિશ્રમ ઘણો સારો કર્યો છે.
અમારી તો એવી ભાવના છે કે ભવિષ્યમાં આ પુસ્તકનો અંગ્રેજી, હિન્દી અનુવાદ થાય તો વધારે જીવોને જાણકારી મળશે. તત્ત્વાર્થસૂત્રના અનુવાદ કરવા માટે સુશ્રાવક ચંદ્રકાંતભાઈને તો ધન્યવાદ ઘટે જ છે. વાચકવર્ગ પણ તત્ત્વાર્થસૂત્રના રહસ્યાર્થીને જાણી પોતાના લક્ષ્યાર્થ (મોક્ષસુખ) ને શીધ્ર પામે તેવી મંગલ કામના.
આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ (દાદા)ના
ચરણકિંકર સોમચંદ્રવિ.
વિ.સં. ૨૦૭૩, પોષ સુદ-૬, તા. ૪-૧-૨૦૧૭ શત્રુંજયાભિષેક દિન પૂ. વ. પુજી મ. (મુનિ શ્રી સંવેગચંદ્રવિ. ૧૪મો જન્મદિન નારલાઈ પ્રાચીન તીર્થ)