________________
CRUELTY
૩૪૭
કુંવારી માતાઓ લોકલાજે ગર્ભપાત કરાવે છે તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં પરિણીત માતાઓ કાયદાને આધારે છડેચોક પોતાનાં બાળકોની હત્યા કરે છે. બાળકો નહોતાં જોઈતાં તો લગ્ન શા માટે કર્યા ? મોજ માણવા જ લગ્ન કર્યા હોય તો સંયમ કેમ ન રાખ્યો ? ભૂલ થઈ જ ગઈ હોય તો ભોગવતાં કેમ નથી ? ગર્ભાશયમાંથી અકાળે કાઢીને દાટી દેવાતાં બાળકો જો માબાપ સામે કોર્ટમાં જઈ શકતાં હોત તો ! તેઓને સરકારી વકીલની સહાય મળતી હોત તો ! આપણાં જ મા-બાપે એ રીતે આપણો નિકાલ કરી નાખ્યો હોત તો !
♦ સમસ્યા : વણજોઈતાં બાળકોનો સમયસર નિકાલ કરવાને રાષ્ટ્રીય સેવા માનનારાઓ એવી દલીલ કરે છે કે અનિચ્છનીય બાળકને જીવવાની ફરજ પાડવા કરતાં મારી નાખવું સારું. આ દલીલને આગળ ચલાવીએ તો અનિચ્છનીય પત્નીઓને જે લોકો બાળી નાંખે છે એ પણ એક દિવસ રાષ્ટ્રસેવક લેખાશે, પછી આંધળાં, લૂલાં, લંગડા, બાડાં, બોબડાં, મંદ-બુદ્ધિવાળાં બાળકો અને બોજારૂપ બનેલા વૃદ્ધોને પણ વધતી જનસંખ્યા રોકવાને બહાને ઝેરનું ઇન્જેકશન દઈને મારી નાખવા માટે કાયદો કરી શકીશું. લોકશાહીમાં બહુમતીને ફાવતું આવે તેને કાયદો બનાવતાં કોઈ રોકી શકે છે ? સત્તાસ્થાને બેસનારાઓને પણ બહુમતીના મત મેળવવા પડે છે ને ? બહુમતી સમાજ બીડી-ભાંગ પીએ તો નિયમાનુસાર કલ્યાણ રાજ્યમાં એ શિષ્ટાચાર
ગણાય.
ગર્ભપાત કરીને આપણે કેટલા રામ, કૃષ્ણ, બુદ્ધ અને અન્ય મહાનૢ વિભૂતિઓને ધરતી પર આવતાં પહેલાં જ મારી નાખીએ છીએ. આ દયાહીન કાયદો સરેઆમ બાળહત્યા જ છે. દુનિયાના અનેક દેશોમાં ફાંસીની સજા રદ થઈ છે. ખૂનીઓને પણ ફાંસી આપવામાં આવતી નથી. કારણ કે જીવ લેવાનો મનુષ્યને હક્ક જ નથી. ગર્ભપાત એ ફાંસીની સજા કરતાં વધારે ક્રૂર આચરણ છે. ફાંસી જેને આપવામાં આવે છે તેનું તત્કાલ મૃત્યુ થાય છે, જ્યારે ગર્ભપાતમાં બાળકો કલાકો સુધી તરફડીને મરે છે. ફાંસીમાં ઓછી પીડા છે, ગર્ભપાતમાં જીવને ભયંકર યંત્રણા થાય છે. ફાંસી ગંભીર ગુનાની સજા રૂપે આપવામાં આવે છે, જ્યારે ગર્ભપાતમાં બાળકનો કશો ગુનો હોતો નથી. અન્યની સલામતી માટે ગુનેગારને ફાંસી અપાય છે, જ્યારે પોતાના મોજશોખ, શરીરસુખ અને તરંગ ખાતર આ લોકશાહી સમાજ પોતાનાં સંતાનોની ગર્ભમાં હત્યા કરે છે. ફાંસીની સજા ખમનારાઓએ તો થોડાં વર્ષ પૃથ્વી પર વીતાવ્યાં હોય છે, જ્યારે ગર્ભમાંહેના બાળકે તો હજુ ધરતી પર શ્વાસ પણ લીધો હોતો નથી. ગૅસ ચેમ્બરમાં હજારો યહૂદીઓને મારી નાખનાર હિટલરને દુનિયા જઘન્ય અપરાધી ગણતી હોય તો પોતાનાં સંતાનોને મોતને ઘાટ ઉતારનારાં દંપતી નિર્દોષ કેવી રીતે લેખાય ?