________________
૪૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ત્યારે તેઓ કહે કે “તારે જો ભગવાન ખોળવા હોય તો આ ભણવાનું નહીં ફાવે તને.” મેં કહ્યું, ‘નથી જ ફાવતું પણ હવે શું કરવું ? તમે જ રસ્તો બતાડો.” તે સાહેબેય ડઘાઈ ગયા, ચૂપ જ થઈ ગયા. કંઈ બોલવા જેવું જ નથી આને. આ તો ઉદ્ધત છોકરો છે, આનું નામ ના દેશો. તે દહાડે ઉદ્ધતાઈ દેખાય ને ! એ તો મારી અત્યારે ઉદ્ધતાઈ કોઈ ના કહે પણ પહેલાં તો ઉદ્ધતાઈ જ કહે ને ! કશી બીજી આવડત નહીં, સમજણ નહીં, તેને ઉદ્ધત જ કહે ને ! વળી સ્ટંટ કહેતા'તા, સ્ટંટ.
બે વર્ષમાં જે ભાષા આવડે, ન બગાડો દસ વર્ષ
આ ભાષા શીખવાનું એ તો ત્યાં આગળ બે વર્ષ ઈંગ્લેન્ડમાં મૂકી દઈએ એટલે આવડી જાય. તે વગરકામના ગોખાય ગોખાય કરો છો, A-B-C-D-E-F-G ! એટલે આપણે આ બધી ભણતર વ્યવસ્થા જે છે ને, એ વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો વ્યય) છે. અંગ્રેજોના વખતની છે એ. આપણે તો આપણા છોકરાં ફર્સ્ટ-સેકન્ડ ને થર્ડ સ્ટાન્ડર્ડ સાથે કરે એવા હોશિયાર હોય છે ! બધા કંઈ ન હોય, પણ જેટલા હોશિયાર હોય એને તો જવા દો આગળ. એય રસ્તો રોક્યો છે, બાર મહિના સિવાય નહીં. હોશિયાર એટલે કેવા હોશિયાર ! મેં જોયેલા બ્રિલિઅન્ટ છોકરાંઓ ! અત્યારે ભલે અનાડીપણું દેખાતું હોય પણ બ્લડ (લોહી) તો આર્ય છે છેવટે. એટલે આમ બહુ હોશિયાર પણ આમ શા હારુ તે આ ભાષા ગોખાય ગોખાય ગોખાય કરો છો ? એમાં પાર ક્યારે આવે ?
આ શું બળ્યું ! પંદર વર્ષ ચોપડીઓ ગા ગા કરો ! GO (જીઓ) ટૂ ગો, GO (જી-ઓ) ટૂ ગો. અરે ! મેલ ને પૂળો અહીંથી ! કોઈ લાઈન હોય તો જુદી વાત, પણ આ તો ભાષા શીખવાનું મેટ્રિક સુધી તો. વગરકામનું A-B-C-D શિખવાડે. તેય કો'કની ભાષા, આ ફોરેનની ભાષા શીખવા માટે મેટ્રિક સુધી ભણવું જોઈએ. કઈ જાતનું આ ચક્કરપણું છે ! ફોરેનની ભાષા શીખવા માટે માણસનું અહીં અડધું આયુષ્ય જ જતું રહે, એના કરતા ફોરેનમાં જઈને બે-ત્રણ વર્ષ રહીએ તો આવડી જાય બધું. અહીં એવી નકામી મહેનત કરીને મગજની ખરાબી કરવી.