________________
[૧.૪] રમતગમત
બધા જેવી જ નિર્દોષ રમતો-તોફાન પ્રશ્નકર્તા: દાદા, તમારા પેલા શંકરભાઈએ અમને જે રૂમ બતાવી હતી ને તરસાળીમાં, આપના જન્મની, ત્યારે કહેતા હતા કે દાદા નાના હતા ત્યારે આ વંડી કૂદીને જતા રહેતા હતા.
દાદાશ્રી : એ તો છોકરાંઓ જોડે તોફાન કરતા.
પ્રશ્નકર્તા : એમણે એમ કહેલું કે પેલું તળાવ છે ને, ત્યાં બધી ભેંસો નહાય ને, તે ભેંસ તળાવમાં બેઠી હોય ને, તરતી હોય ને, તો એના ઉપર દાદા બેસી જતા હતા. ભેંસ ઉપર બેસીને રમે અને તળાવમાં તરે એવી રીતે.
દાદાશ્રી : જાણે હાથી પર બેઠા હોય એવું લાગે ! ગામડામાં બધા છોકરાંઓ એવું કરે ને.
પ્રશ્નકર્તા અમારા જેવું જ કરતા ગામડામાં ? દાદાશ્રી : એવું જ, એવું જ.
એક ફેરો તો હું દસ-અગિયાર વરસનો હતો, તે વખતે મામા કહે કે ભઈ, તું થાકી જઈશ. એટલે મને ભેંસ ઉપર બેસાડ્યો અને મારા પગ ઝાલીને જોડે ચાલ્યા.