________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
નાનપણમાં અંબાલાલે એક છોકરાને પથરો માર્યો હતો. પેલાને લોહી નીકળ્યું. ઝવેરબાને ખબર પડી તો બાએ કહ્યું, “આ શું કર્યું તે, એને બિચારાને લોહી નીકળ્યું. એને મા નથી, એની કાકીની ઘરે રહે છે, એને પાટાપીંડી કોણ કરશે ? એ બિચારો કેટલું રડતો હશે ? તું માર ખાઈને આવજે, કોઈનેય મારીને ના આવીશ. તું ઢેખાળો ખાઈને આવજે, તારી હું દવા કરી દઈશ.' ત્યારથી એમણે એવા તોફાન બંધ કરી દીધેલા. નાનપણથી મધર સારા સંસ્કાર આપતા, સારું શિખવાડતા. બોલો, તો એ મા મહાવીર બનાવે કે નહીં ?
મૂળ પોતે સંસ્કારનું બીજ લઈને આવેલા, પણ આવા મધર, આવા સંજોગોથી એ સંસ્કાર પ્રગટ થયેલા.
આવા જ અહિંસાના પાઠ મધરે શિખવાડેલા. અંબાલાલે મધરને પૂછયું કે માંકણ કેડે છે ? તો મધર કહે, “કેડે છે ખરા પણ મને વાંધો નથી, કેમ કે એ જમીને જતા રહે છે, કોઈ ટિફિન ભરીને લઈ જતા નથી.” તે આ વાત પણ એમને ગમી. ત્યારથી માંકણ પ્રત્યેની ચીઢ, માંકણ રાત્રે કેડે તો બહાર મૂકી આવે એ બધું છૂટી ગયું. પછી માંકણને કૈડવા દેતા હતા. ગળામાં કૈડે તે ના ફાવે, તો ત્યાંથી ઊંચકીને પોતાના પગ ઉપર મૂકી દેતા.
પોતાની પચ્ચીસ-છવ્વીસ વર્ષની ઉંમરે એવો પ્રસંગ બનેલો, કે બપોરે મધર, હીરાબા ને પોતે જમી રહ્યા ને ત્યારે ઘરે મહેમાન આવ્યા. તે માજીથી બોલાઈ ગયું, ‘આ ક્યાં આવ્યા અત્યારે ?” ત્યારે એમને થયું કે આમનું મન બગડે છે.
પછી તો મહેમાનોને જમાડ્યા. ત્યાર પછી મધરને ને વાઈફને કહી દીધું કે જો ફરી આવું થશે, તો હું ઘરમાંથી ભાગ લઈ લઈશ. કોઈ પણ માણસ રાત્રે ત્રણ વાગે આવે તોય એને જમવાનું પૂછવાનું, મન સહેજેય બગડવું ના જોઈએ. આવો નિયમ લેવડાવેલો, ત્યાર પછી ઘરમાં અભાવ પેઠો નહોતો. જે હોય તે પ્રેમથી જમવાનું મૂકો, પણ ભાવ બગાડવો નહીં.
32