________________
૨૦૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
હતા. આ તો હમણાં કોઢ નીકળ્યા એમને. કોઢ થતા પહેલાં તો ગોરા ગબ હતા. મહારાણી દેખાય એવા દેખાતા'તા. અમારી વડોદરાની જોગીદાસ વિઠ્ઠલની પોળમાં આમ બહાર નીકળે ને, એમને “મહારાણી' કહે બધા.
પ્રશ્નકર્તા : એવો ઠાઠ પડતો હશે આમ !
દાદાશ્રી : આખી પોળમાં રાણી જેવો રોફ રાખે. હવે એમનો રોફ ના પડે એટલો. પણ ત્યારે અમારા ભાઈને લીધે એમનો રોફ પડે. ભાઈ તો જાણે રાજા છે પણ આ મહારાણીની પેઠ ફરે જોડે જોડે ! પોળના લોક તો “રાજા ને રાણી” કહે. અમારા ભાઈનો એટલો બધો દાબ એ પોળમાં, એટલો બધો રોફ, તેથી એમને “મહારાણી” કહેવા પડે. “આવ્યા મહારાણી” એવું કહેતા'તા. એમને (મોટાભાઈને) લીધે તો આમની કિંમત વધી ગઈ, નહીં તો ભાભીની શી કિંમત ? ભઈના નામ પર રોફ પાડી ખાય, લોકોને ટૈડકાવ્યા કરે, બધું કરે.
પ્રશ્નકર્તા: ભાભીને તો બહુ સુખ હતું.
દાદાશ્રી : ભાભીને બહુ સુખ, ભાભીએ બહુ સુખ ભોગવ્યું. વીસ વર્ષ પતિનું સુખ ભોગવ્યું એમણે. પછી રાંડ્યા. પચાસ વર્ષથી (દાદાશ્રીની હાજરીમાં જ્યારે દિવાળીબા ૮૦ વર્ષના હતા, ત્યારે દાદાશ્રી એમના માટે ૫૦ વર્ષ કહે છે.) નિરાંતે જીવે છે બઈ, પુણ્યશાળી બાઈ ! અમારા ભાભીએ મહારાણી પદ ભોગવેલું, તેનો રોફ, આ કડકાઈ હજુ જતી નથી ને !
સ્ત્રીચારિત્ર ઓળખતા શીખ્યા ભાભી પાસેથી પ્રશ્નકર્તા: તમે દાદા, ઘણીવાર કહો છો કે તમે ભોળા હતા પણ ભાભી પાસેથી સ્ત્રીચારિત્ર કેવું હોય તેના પાઠ શીખ્યા અને સ્ત્રીચારિત્રને ઓળખવામાં તમે પાકા થયા, તો એવું તો ભાભીમાં શું જોયું તો તમને આવું શીખવા મળ્યું ?
દાદાશ્રી : મણિભાઈ જીવતા હતા ત્યારે અમારા ભાભી મોટાભાઈ જમવા બેસે ત્યારે એમને રોજ કહેતા'તા કે “તમે ના હોય તો મારાથી જીવાય નહીં.” બીજી વખત પણેલા ને, એટલે ત્યારે જરા એ જોડું જુદી જાતનું હોય.