________________
ઉપોદ્ઘાત
[૧] બાળપણ [૧.૧] કુટુંબતો પરિચય
આ ગ્રંથ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના જીવન ચરિત્ર ઉપર છે. આ ગ્રંથમાં દાદાશ્રીની સરળતા-સહજતા જોવા મળશે. તેઓ બાળક જેવી સરળતાથી જવાબ આપે છે. લોકોએ સત્સંગમાં બેઠા બેઠા એમના વિશે બધી વાતો પૂછી છે અને એમણે પોતાની જીવન કિતાબ જેમ છે તેમ ખુલ્લી કરી છે. પોતે એ.એમ.પટેલ સાથે નિકટના પાડોશી તરીકે વર્તે છે, એટલે પાડોશીનું જ જીવન ચરિત્ર ખુલ્લું કરતા હોય તેમ બધું જ કહી દે છે. ખરાબ બન્યું, સારું બન્યું, શા માટે આવું બન્યું, પોતે એમાંથી શો ઉપદેશ લીધો, પોતે કેવી કેવી ભૂલો કરી હતી, એના કેવી રીતે પસ્તાવાખેદ કર્યા, એ બધી વાતો આપણને જાણવા મળે છે.
વિશેષતા તો એ છે કે આપણા દરેકના જીવનમાં પણ જેવા પ્રસંગો બને છે ને એમને પણ એવા જીવન પ્રસંગો બન્યા છે, પણ પોતે સાક્ષીભાવે, ઑબ્ઝર્વર તરીકે રહ્યા હોય અને ઝીણામાં ઝીણા વિચાર કેવા તે વખતે આવ્યા એ બધું જ દેખી શક્યા છે, અને એટલું જ નહીં પણ એ નાનપણની વિચાર શ્રેણી ઠેઠ સિત્તેર-પંચોતેર-એંસી વર્ષે પણ બધું જાણે આજે જ બન્યું હોય, તે જોઈને બોલતા હોય તેવું કહી શક્યા છે, એ જ જ્ઞાની પુરુષની અદ્ભુતતા છે.
લોકોએ એમના બાળપણ વિશે પ્રશ્નો પૂછયા છે, તો સરળતાથી એમણે જવાબો પણ આપ્યા છે. આપનું જીવન ચરિત્ર ટૂંકમાં કહો, તો કહ્યું કે મારું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ છે. હું ભાદરણ ગામનો રહેવાસી છું. મારા મધર ઝવેરબા, મારા ફાધર મૂળજીભાઈ, મારા મોટાભાઈ મણિભાઈ. હું મેટ્રિક ફેલ થયો છું તેય કહી દીધું. લગ્ન સંબંધીયે કહ્યું કે પંદર વર્ષે લગ્ન થયેલા, વાઈફનું નામ હીરાબા. બે સંતાનો થયેલા (મધુસૂદન, કપિલા). બન્ને નાનપણમાં જ ગુજરી ગયેલા.
જન્મ મોસાળમાં તરસાળી ગામે (વડોદરા જિલ્લો) થયેલો.
19