________________ 84 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સંવિધાનપુર:સર રચી પ્રકટ કરેલો મહામૂલો મહાભારત સૂચિગ્રંથ', મધુસૂદન મોદીએ “સર્વોત્તમ કીર્તિસ્તંભ સમો સૂચિગ્રંથ' તો નાનાલાલ મહેતાએ “ગ્રંથકારો માટેનો ગ્રંથ' કહ્યો. નરસિંહરાવે જણાવ્યું કે “આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા સામર્થ્યની બહાર છે”, તો કેશવલાલ હ. ધ્રુવે મોહનભાઈના શ્રમની અનન્યતા એમ કહીને બતાવી કે ““તમે જૈન સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.” અને કહાનજી ઘર્મસિંહ કવિએ તો ભાવભરી કાવ્યાંજલિ અર્પિત કરી : જૈને કાવ્યસાહિત્યના મહાભારત બે ભાગ, અવલોકનથી ઊપજ્યો અંતરમાં અનુરાગ. 1 જતિ સતી ગુરુ જ્ઞાનીનો અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યો ઇતિહાસથી, એ નહિ અલભ્ય પ્રયાસ. 2 ગુજરાતી સાહિત્યમાં જૈન કવિ વર વીર, શુદ્ધ સ્વરૂપે દાખવ્યા, મોહન મતિ ગંભીર. 3 શ્વેતાંબર મંડળી મલી તેનો કર્યો પ્રકાશ, ફહાન અભિવંદન કરે, ઈશ્વર પૂરે આશા. 4 “સંક્ષિપ્ત' તરીકે ઓળખાયેલો પણ હજાર ઉપરાંત પાનાંમાં વિસ્તરતો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. 1960 સુધીના શ્વેતામ્બર જૈન સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. સમકાલીન વ્યક્તિઓ પરત્વે તટસ્થ રહી શકાતું નથી એ સમજથી પોતે સગીર મટ્યા ત્યાં સુધીમાં અવસાન પામેલા લેખકો આગળ અટકી જવાનો મોહનભાઈએ ઉપક્રમ રાખ્યો છે. દિગમ્બર સાહિત્યનો પોતાનાં સાધનશ્રમની મર્યાદાને કારણે એ સમાવેશ કરી શક્યા નથી, પણ શ્વેતામ્બરમાં મૂર્તિપૂજક પરંપરા સાથે સ્થાનકવાસી પરંપરાના સાહિત્યની પણ તેમણે યત્કિંચિત્ નોંધ લીધી છે. આ ગ્રંથ પાછળ મોહનભાઈનો સાતેક વર્ષનો અથાગ પરિશ્રમ પડેલો છે. મુનશીએ ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજના કરી તેમાં મધ્યકાળના જૈન સાહિત્ય વિશે એક પ્રકરણ લખવાનું મોહનભાઈને સોંપવામાં આવ્યું અને કેટલીક ચર્ચાવિચારણા પછી એમણે ૧૯૨ના આરંભમાં આ