________________ લેખસૂચિનું કામ ૧૯૮૪-૮૫થી શરૂ થયું. એનો છેડો તો કદી આવે એમ જ નહોતો. કેમકે આકસ્મિક રીતે કંઈક ને કંઈક હાથમાં આવ્યા કરતું હતું. પરંતુ છેવટે ક્યાંક અટકવું રહ્યું. એટલે એના ગ્રંથપ્રકાશનનું વિચાર્યું. જયસુખભાઈ મોહનલાલ દેસાઈના માતબર દાનથી શરૂ થયેલી “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળામાં આ સૂચિનું પ્રકાશન થાય એ ઉચિત હતું. આ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીઓને અમે ભલામણ કરી અને એમણે હોંશપૂર્વક એ સ્વીકારી લીધી. લેખસૂચિની સાથે મોહનભાઈનું નાનકડું જીવનચરિત્ર જોડવું એવો એક ખ્યાલ પણ હતો. નાનકડું એટલા માટે કે એમના જીવન વિશેની ઘણી માહિતી ઉપલબ્ધ નહોતી. પરંતુ જયંત કોઠારીએ મોહનભાઈનાં કેટલાંક સગાંસ્નેહીઓના સંપર્કો કર્યા, મોહનભાઈ વિશે જ્યાં માહિતી હોઈ શકે એવું કેટલુંક સાહિત્ય તપાસ્યું અને મોહનભાઈએ વિવિધ ક્ષેત્રોમાં જે સેવા બજાવી છે એનાં પરિચય-મૂલ્યાંકન જોડવાનું પણ વિચાર્યું. તેથી ચરિત્રલેખ ખાસ્સો લંબાયો. વળી મોહનભાઈ વિશેના સંસ્મરણાત્મક લેખો મળ્યા; તે પણ આ ગ્રંથમાં સમાવી લેવાનું નક્કી કર્યું. આમ આ ગ્રંથ એક સામગ્રીસભર સમૃદ્ધ ગ્રંથ બની ગયો. ગ્રંથસૂચિ-લેખસૂચિ ચોક્કસ દૃષ્ટિકોણથી થયેલી છે અને સાથે વિષયસૂચિ પણ જોડી છે. આ દ્વારા ગ્રંથસૂચિ-લેખસૂચિનો એક નમૂનો તૈયાર કરવાનો ખ્યાલ હતો. એમાં જયંત મેઘાણી જેવા આ વિષયના નિષ્ણાતનો લાભ મળ્યો છે. આશા છે કે અભ્યાસીઓને આ બધો શ્રમ સાર્થક લાગશે. અને વિશાળ જનસમાજને મોહનભાઈની વિરલ પ્રતિભાની છબી આકર્ષક અને આદરપ્રેરક જણાશે, આ ગ્રંથના નિર્માણમાં અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓની નાનીમોટી સહાય અમને મળી છે. તે બધાંનો નામોલ્લેખ કરવો પણ શક્ય નથી. એ સૌ પ્રત્યે અમે ઊંડો ઋણભાવ અનુભવીએ છીએ. અત્યંત ખંત અને ચીવટથી આ પુસ્તકનું મુદ્રણકાર્ય પાર પાડવા બદલ શારદા મુદ્રણાલય (લેસર વિભાગ)ના શ્રી રોહિત કોઠારી અને શ્રી ભીખાભાઈ પટેલના અમે આભારી છીએ. અમદાવાદ જયંત કોઠારી તા. 6-4-1992 કાન્તિભાઈ બી. શાહ સંપાદકો