________________ સંપાદકીય નિવેદન ગુજરાતી સાહિત્યકોશ માટે સામયિકો - ખાસ કરીને જેમાં જૂનું ગુજરાતી સાહિત્ય પ્રગટ થયું હોય તેવાં - ની ફાઇલો જોવાનું થયું ત્યારે “શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ', “જૈનયુગ' વગેરે જૈન સામયિકો પણ સ્વાભાવિક રીતે જ એમાં આવ્યાં. “હેરલ્ડ” અને “જૈનયુગ” તો મોહનભાઈએ કેટલાંક વર્ષો પોતે ચલાવેલાં. એ સામયિકોની સામગ્રીની નોંધ લેતાં એક આશ્ચર્યકારક બીના એ બહાર આવી કે એમાં મોહનભાઈએ પાનાંનાં પાનાં પોતે જ લખેલાં હતાં. એમાં વિવિધ વિષયોના લેખો હતા, પ્રાચીન સાહિત્યનું સંપાદન હતું, ચરિત્ર-ઇતિહાસ વગેરેની સામગ્રી હતી. એ પણ લક્ષમાં આવ્યું કે આમાંનું ઘણુંખરું સાહિત્ય આજ સુધી અગ્રંથસ્થ રહ્યું છે. પછી તો બીજાં જૈન સામયિકોમાં તેમજ ગ્રંથોમાં પણ ઠેરઠેર મોહનભાઈનાં લખાણો નજરે ચઢતાં ગયાં. “જૈન ગૂર્જર કવિઓ” તથા “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ તેમજ કેટલાંક પ્રાચીન કતિઓનાં સંપાદનોથી જેમને આપણે ઓળખીએ છીએ એ મોહનભાઈનો આ વિપુલ ખજાનો ગ્રંથસ્થ થઈ પ્રકાશિત થાય તો એમની પ્રતિભા ઓર નીખરી આવે એવી તીવ્ર લાગણી પણ થઈ. એ કામ તો ક્યારે થાય અને કોણ કરે ? કેમકે ઓછામાં ઓછા પંદર-વીસ ગ્રંથોની એ સામગ્રી ગણાય. પરંતુ મોહનભાઈના આ લેખોની જો સૂચિ થઈ શકે તો એ અભ્યાસીઓને માર્ગદર્શક બને અને ભવિષ્યમાં એ લેખોના પ્રકાશનની સગવડ પણ ઊભી થાય. આ કામ કંઈ નાનું નહોતું. બધાં સામયિકોની ફાઇલો એક સ્થળે અખંડ મળે પણ નહીં. એ માટે ઘણાં ગ્રંથાલયો ફંફોસવાનાં થાય. છતાં મોહનભાઈ પ્રત્યેના અત્યંત આદરને કારણે એ હામ ભીડવાનું અમને મન થયું. શરૂઆતમાં થોડોક સમય કીર્તિદા જોશીએ થોડું કામ કર્યું. પણ પછી તો આ બોજો કાન્તિભાઈ શાહે જ ઉપાડ્યો. આ માટે અમદાવાદનાં તો જાણીતાં ગ્રંથાલયોમાંથી મળી શકી તે સામગ્રી મેળવી; પણ તે ઉપરાંત ભાવનગર, મુંબઈ વગેરે સ્થળોના કેટલાક ગ્રંથાલયોની મુલાકાત પણ લીધી. ક્યારેક વ્યક્તિગત રીતે શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર જેવા પાસેથી પણ માહિતી મળતી ગઈ. આ સામગ્રી ફરીને હાથમાં આવવી મુશ્કેલ હતી તેથી એ ઝેરોક્ષ કરાવીને સાચવી પણ લીધી. આ બધો એક રીતે જોઈએ તો પ્રીતિપરિશ્રમ જ હતો.