________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વાર એમને ઘેર આવે. છબીલભાઈના ઘરમાં ચા જ નહીં અને મોહનભાઈ ચાના પાકા બંધાણી. પિતા સમાન મોહનભાઈને ચા પિવડાવ્યા વિના કેમ ચાલે? અને પોતાના વ્રતનો ભંગ પણ કેમ થાય? છબીલભાઈ મોહનભાઈને સ્ટેશન પર ચા પાઈને ઘેર લઈ જતા ! મોહનભાઈને પણ મામા માટે અપાર ભક્તિ. રાજકોટમાં મામાને ઘેરથી આવતા હોય અને કોઈ પૂછે કે ક્યાં જઈને આવ્યા, તો મોહનભાઈ કહે કે મંદિર જઈને આવ્યો. મામાનું ઘર એટલે એમને મન દેવમંદિર. મુંબઈથી રજાઓમાં મોહનભાઈ નીકળે એટલે પહેલાં મામાનાં દર્શને રાજકોટ જાય, લુણસર બાને પણ મળી આવે અને પછી પોતાનું કામ હોય તે બીજા સ્થળોએ જાય. કોઈને મદદરૂપ થવાનું હોય ત્યારે મામા મોહનભાઈને પણ કોઈ વાર એમાં જોડે. ઘરમાં પ્રસંગ હોય ત્યારે તો મોહનભાઈ પોતાની ચેકબુક જ મામાને આપી દેતા અને કહેતા, “આમાં જે કંઈ રકમ હોય તે તમારી જ.” મામા, અલબત્ત, ભાણેજનું કશું ન જ સ્વીકારે. મામા-ભાણેજ વચ્ચે અનન્ય આત્મીય સંબંધ રચાયો હતો અને મોહનભાઈને માટે મામા સર્વ કંઈ હતા. “જૈન કાવ્યપ્રવેશ' (1912) મામાને અર્પણ કરતાં મોહનભાઈએ જે શબ્દો વાપર્યા છે તે આ આત્મીય સંબંધને પ્રકાશિત કરી આપણા હૃદયને પણ ભીંજવી જાય છે : “મંગલ પ્રેમમૂર્તિ પૂજ્યવર્ય મામાશ્રી પ્રાણજીવન મોરારજીના ચરણકમલમાં, આપ મારા શિરચ્છત્ર, ગુરુ, બંધુ, સખા એમ અનેક પ્રેમસ્વરૂપમાં મારી સાથે રહી મને પોષી પાળી જ્ઞાનપયઃ પાયું છે તે અવર્ણનીય છે, તેનો પ્રત્યુપકાર આ જન્મ કે આવતા જન્મોમાં વાળી શકનાર નથી જ, છતાં આ મારો રંક પ્રયાસ આપની સેવામાં ધરું છું. આશીર્વાદ સાથે આપ સ્વીકારશો. - સદાનો દાસ મોહન” ફરીને પોતાના મહત્વના આકરગ્રંથ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” (૧૯૩૩)નું અર્પણ પણ મોહનભાઈ મામાને જ કરે છે. એમાં ““તેઓ મારા જ્ઞાનગુરુ છે, મારામાં જે કંઈ સાહિત્યપ્રેમ, ધર્મચિ, જ્ઞાન, સંસ્કાર છે તે તેમનો પ્રતાપ” એમ કહી પ્રબોધચંદ્રના નીચેના શ્લોકથી મામાને પોતાની વિંદના અર્પે છે :