________________ કેટલાંક સંસ્મરણો 113 ગમે તેટલું મોડું થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કૉર્ટ બંધ હોય તો ઘણી વાર બબ્બે ત્રણત્રણ દિવસ શેઠ હરગોવિંદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મોહનભાઈ પોતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે ત્યારે પોતાનું કામ કર્યા જ કરે. તેમને જે-જે વસ્તુ નવી મળી હોય તેનું વર્ણન કરે, થયેલ અને થતા કામનો ખ્યાલ આપે અને અમે કાંઈ ટીકા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂંસી નાખે. એ પ્રકારની વિદ્યાવૃત્તિ અને સાહિત્યનિષ્ઠાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમજ ઇતિહાસને લગતું કાર્ય સર્જાવ્યું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કાંઈ હોય તો તે મોહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભંડાર, રાજવંશ, જ્ઞાતિઓ, ગચ્છો અને પ્રાચીન નગર-નિગમો આદિ અનેક વિષયો ઉપર ઈતિહાસ લખનાર તે કૃતિઓ જોયા વિના કદી પોતાનું કામ પૂરું કરી શકશે નહીં. એ કૃતિઓમાં કૉન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખો, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા ઘણા પ્રકાશકો અને સંપાદકોને મોહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પોતાનાં લખાણો, નોટો, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડ્યાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલીબધી ઉત્કટ હતી કે કોઈ એ વિશે તેમની પાસેથી મદદ માગે તો બીજો ગમે તેટલો બોજો હોવા છતાં આ વધારાનો બોજો લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે “આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાર પુસ્તક સંપાદિત કરી આપ્યું. મોહનભાઈ પાસેથી મદદ લેનારમાં એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હોય. તેથી ઊલટું મોહનભાઈનો સ્વભાવ એવો હતો કે કોઈની પાસેથી તેમને કાંઈ પણ મદદ મળી હોય તો તેનો ઉલ્લેખ કર્યા વિના તેઓ ન રહે. કોઈ વિદ્વાન કે સગુણી વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ જાણવાની તક મળતી હોય તો મોહનભાઈ ચૂકે નહીં. એવી વ્યક્તિ