________________ સદ્ગત મોહનલાલ દલીચંદ દેશાઈ 107 એક સામાન્ય અનુયાયી તરીકે પોતાની શક્તિનો સમાજને બને તેટલો લાભ આપવો એ જ કેવળ તેમના સમગ્ર જીવનનું પરમ લક્ષ્ય હતું. એવો કોણ જૈન હશે કે જેણે તેમની ગર્જનાઓ આજ સુધીમાં અનેક વાર જૈન સમાજની ભિન્ન ભિન્ન વ્યાસપીઠો ઉપરથી નહીં સાંભળી હોય? તેઓ જે કાંઈ બોલતા તેમાં સ્પષ્ટતા હતી, નીડરતા હતી, નિખાલસતા હતી. આવી જ રીતે ભિન્નભિન્ન સંસ્થાઓની કાર્યવાહીમાં તેમની બાજુમાં બેસીને કે સામા બેસીને કામ કરવું, સહમતી અનુભવવી કે વિચારોની અથડામણમાં આવવું, અને એવી જ રીતે એકલા હોઈએ ત્યારે જૈન સમાજ, સાહિત્ય, કૉંગ્રેસ, રાજકારણ, ધર્મરુઢિઓ, સાધુસંસ્થાની વિશેષતાઓ અને વિકૃતિઓ વગેરે વિષયો ઉપર ચર્ચા કરવી, વિચારવિનિમય સાધવો આ જીવનનો એક લ્હાવો હતો. તેઓ એક જીવતા માણસ હતા. આગળની પેઢીમાં તેઓ ઊછરેલા, વિનીત વલણોને સાધારણ રીતે વરેલા અને એમ છતાં નવા વિચારો સાથે મેળ મેળવવાનો સતત પ્રયત્ન કરતા. જૂના પણ ખરા અને નવા પણ ખરા અને એ બધી બાબતો ઉપરાંત એક નવયુવાન જેટલા ઉત્સાહ, ખંત અને ઉમળકાથી ભરેલા મોહનભાઈ - આવી એક વ્યક્તિને આમ અકાળે ઝૂંટવી લઈને વિધાતાએ આપણા સર્વ ઉપર ખરેખર અત્યન્ત નિષ્ફર પ્રહાર કર્યો છે. આજે જ્યારે આ સ્મરણનોંધ લખું છું ત્યારે તેમનું ભાવભર્યું વ્યક્તિત્વ, સદા આવકાર આપતી તેમની સોહામણી મુખમુદ્રા, કાંઈ પણ નવીન વાત, વિચાર કે વસ્તુ જાણવાની તેમની હોંશ આ બધું કલ્પનાપટ ઉપર આલેખાય છે અને આવી એક પ્રાણવાન વ્યક્તિએ આપણી વચ્ચેથી સદાને માટે હવે વિદાય લીધી એ હકીકતનું ભાન ચિત્તને શોકાતુર કરી મૂકે છે. આવી એક વિશિષ્ટ વિભૂતિ પોતાનો જીવનસંગ્રામ પૂરો કરીને, અનેક મીઠાં સ્મરણો અને પ્રેરક જીવનતત્ત્વો મૂકીને અસીમ અનન્તતાના સાગરમાં વિલીન થઈ છે આપણાં તેમને અનેક વન્દન હો ! પરમાત્મા તેમને પરમ શાન્તિ અર્પો !! તેમની જીવનચર્યા આપણને અનેક રીતે બોધપ્રદ અને માર્ગદર્શક બનો ! પ્રિબુદ્ધ જૈન, તા.૧૫-૧૨-૪૫]