________________ 106 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પણ એવી જાહેર સભા ન હોય કે જ્યાં તેઓ હાજર ન હોય એટલું જ નહીં પણ જ્યાં તેમના ભાગે કાંઈ ને કાંઈ કામ આપવામાં આવ્યું ન હોય અને તેમની સાહિત્યઉપાસના કેવી હતી એ તો તેમનું મુંબઈનું નિવાસસ્થાન જેણે જોયું હોય તેને જ તેનો ખરો ખ્યાલ આવી શકે. બે કે ત્રણ ઓરડાનો બ્લૉક તેમાં તેમને વાંચવાલખવા તથા મળવા હળવાનો ઓરડો ચારે બાજુ પુસ્તકો, પોથીઓ અને લખાણોથી ભરેલો રહેતો. એ ઓરડામાં દિવસરાતનો વિચાર કર્યા સિવાય તેમણે અખંડ સાહિત્યઉપાસના કરેલી. તેમની સાહિત્ય ઉપાસના પાસે વકીલાતનું તેમનું કામ ગૌણ બની જતું. જ્યારે તેમને મળવા જાઓ ત્યારે તેઓ પોતાના સંશોધનકાર્યમાં મશગુલ બનેલા નજરે પડે. વાંચતાં લખતાં મધરાત વટાવી જવી એ તો તેમનો સામાન્ય કાર્યક્રમ હતો. સાહિત્યના ક્ષેત્રમાં તેમનું કાર્ય એક સમર્થ સંગ્રાહક અને સંશોધકનું હતું. ગુજરાતી જૈન સાહિત્ય આજે જે વિપુલ પ્રમાણમાં બહાર પડ્યું છે અને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં તેને જે પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે તેનો યશ મોટા ભાગે તેમના ફાળે જાય છે. જૈન પદ્યસાહિત્યનો તો તેમણે જ જીર્ણોદ્ધાર કર્યો છે. જૈન સાહિત્યના ક્ષેત્રમાં તેઓ જે સંશોધનની પરિપાટી મૂકતા ગયા તેને ઉપાડી લે અને આગળ ચલાવે એવો આજે કોઈ જૈન હજુ નજરે પડતો નથી. જૈન સમાજને લગતા જાહેર જીવનમાં પણ તેમનું સ્થાન અતિ મહત્ત્વનું હતું. તેમની સ્થિતિ સાધારણ હોવા છતાં ખુશામત કે વાક્પટુતા તેમનામાં કદી જોવામાં આવી નહોતી. સ્પષ્ટવસ્તૃત્વ એ તેમની વિશેષતા હતી. તેનો અમલ કરવા જતાં તેઓ અનેકની સાથે અથડામણમાં આવતા અને કદી વાયુદ્ધ પણ ખેલતા. આમ છતાં પણ તેમના દિલમાં કદી પણ કોઈ વ્યક્તિ વિશે ડંખ કે દ્વેષ નહોતો. તેમનામાં એક પ્રકારની ખેલદિલી હતી. તેમનું દિલ સદા સાફ હતું અને સમાજની સાચી સેવા એ જ તેમની અનન્ય નિષ્ઠા હતી. કોઈ કૂડકપટ તેમને કદી સ્પર્શતાં નહોતાં તેમજ એવી કોઈ મહત્ત્વાકાંક્ષા પણ તેમને પીડતી નહોતી. પોતાના ક્ષેત્રમાં રહીને, પોતાના સંયોગો અને તાકાતની મર્યાદા ધ્યાનમાં રાખીને નિઃસ્વાર્થ ભાવે શક્ય તેટલી સેવા કરવી, જ્યાં આગેવાનીભરેલો ભાગ ભજવવાનો આવે ત્યાં તે રીતે અને અન્યત્ર