________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 103 5. સમાપન મોહનભાઈને જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી જે માનપત્ર આપવામાં આવેલું તેમાં મોહનભાઈના વ્યક્તિત્વ તથા એમની સેવાઓને સર્વગ્રાહી, સમુચિત અને ભાવભરી અંજલિ આપવામાં આવી છે તે જ આ ચરિત્રલેખનું શોભીતું સમાપન ગણાશે : અનેક વર્ષો સુધી આપે જૈન સમાજ, સાહિત્ય અને ધર્મની અનેકવિધ કિંમતી સેવાઓ બજાવી છે... આપની અનેકવિધ સેવાઓની ગણના કરવી દુર્ઘટ કામ છે. આપે આપના ધંધાના અતિવ્યવસાયી કામની સાથે જ જૈન સમાજની અનેક પ્રકારે ત્રણ દશકા સુધી સેવા કરી તેનો સામાન્ય ઉલ્લેખ કરતાં પણ સરવાળો અતિ મોટો થઈ જાય. કૉન્ફરન્સ સાથે તો આપે એકરસ બની જે હારબંધ સેવાઓ કરી છે તેનાં નામોની નોંધ કરતાં પાનાંઓ ભરાય તેમ છે. આપની સેવાની માત્ર મોટી વાત યાદ કરીએ તો આપે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'ને ચાલુ રાખવામાં અને “જૈનયુગ”ને એક પુરાતત્ત્વના પાયાગ્રંથ જેવો બનાવવામાં વર્ષોના ઉજાગરા કર્યા છે અને એનું ઉચ્ચ સ્થાન સાહિત્યસૃષ્ટિમાં જીવતું રાખી સમાજની અને ધર્મની ભારે સેવા કરી છે. આપે આપનો પુરાતત્ત્વનો ધોધ તેમાં ઠાલવ્યો અને અત્યારે પણ એનું પરિશીલન અભ્યાસીઓ ગૌરવ સહિત કરે છે. એ તો ખરેખર આપના વિલાસનો વિષય હતો. આપની અવિચળ કૃતિ તો ગુજરાતના પ્રાચીન “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગ છે. ત્રીજા ભાગના બે વિભાગ છે. એને અંગેની અપરિમિત મહેનતને પરિણામે આપે જૈન ગુજરાતી સાહિત્યની વિશાળતા, ભવ્યતા, મહત્તા અને કાવ્યમયતા બતાવી ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યને એનું સુયોગ્ય સ્થાન અપાવ્યું છે અને સેંકડો અપ્રસિદ્ધ રાસાઓ, દુહાઓ અને પદો વિગેરેને જીવંત કરી એમાં રહેલ અલંકારો, વ્યવહારો, વિલાસી અને ઉપદેશોને થાળ રૂપે જનતા સમક્ષ મૂકી અભુત સેવા કરી છે. એ કૃતિઓના ઉપર કળશ ચઢાવે તેવી આપની કૃતિ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” છે અને એ આપના વિશાળ વાચન અને સતત પ્રયાસનું ચિરસ્મરણીય ફળ છે.