________________ 94 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા છે તેમાં એમણે આ વિષયનો કેવી વિશાળ દૃષ્ટિથી ને ઊંડો વિચાર કરેલો છે એ દેખાઈ આવે છે. પંચતંત્ર કે ઈસપની બધી વાતો બાળકોને કહેવા જેવી નથી એમ જણાવી એ કહેવા જેવી વાતોની યાદી પણ આપે છે ! શિક્ષકો માટેના ખાસ ગ્રંથોની એ ભલામણ કરે છે. આમ, બાલશિક્ષણ વિશે મોહનભાઈનું વાચન નોંધપાત્ર હોવાનું દેખાઈ આવે છે. આરંભના નિવેદનમાં પણ જુદીજુદી કક્ષાનાં બાળકોની સમજશક્તિ, ગ્રહણશક્તિ વિશે મોહનભાઈએ વિચાર કર્યો છે તે પણ આપણને એવું દેખાડે છે. આ શૈક્ષણિક પુસ્તકમાં ‘દર્શન' નામથી મુકાયેલો એક અગ્રલેખ ખાસ ધ્યાન ખેંચે એવો છે. એમાં સ્તવન-સ્વાધ્યાય પ્રકારના સાહિત્ય વિશે કેટલાક સુંદર વિચારો રજૂ થયા છે. મોહનભાઈ સ્તવનોની લોકપ્રિયતાનાં કારણો નોંધે છે - જીવનવેધકતા (તત્ત્વજ્ઞાન), વ્યક્તિગત આનંદ-શોકના ઉદ્ગાર, સંગીતધ્વનિ, આંતરિક કિંમત. સ્તવનના ચાર ભેદ બતાવે છે - વાંચાપૂર્વક, ગુણોત્કીર્તનપૂર્વક, સ્વનિંદાપૂર્વક, આત્મસ્વરૂપાનુભવ. હાલનાં સ્તવનો વિશે અભિપ્રાય વ્યક્ત કરે છે - ““સાહિત્યદૃષ્ટિએ વિચારતાં કેટલાંક સ્તવનો કનિષ્ઠ માસિકમાં પણ આવવા યોગ્ય નહીં.” સ્તવનમાં કયા દોષો ન જોઈએ તે દર્શાવે છે. સ્વાધ્યાયના પ્રકાર તથા એની ઉત્પત્તિનો ટૂંક ઇતિહાસ આપે છે અને મધ્યકાળના અન્ય સાહિત્યપ્રકારો - રાસો, પૂજા, પદ, ગફૂલી વગેરે - વિશે માહિતી આપે છે. જૈન કાવ્યપ્રવેશ' એ શૈક્ષણિક પુસ્તક, આમ, મોહનભાઈના કેટલાક મહત્ત્વના સાહિત્યવિચાર ને શિક્ષણવિચારને સંઘરીને બેઠું છે. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' એ જુદા જ પ્રકારનું સંપાદન છે. એમાં આત્માનંદજી વિશેના અને અન્ય ઉપયોગી વિષયો વિશેના લેખો સંગૃહીત થયા છે. લેખો અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ત્રણ વિભાગોમાં રજૂ થયા છે. મોહનભાઈની સંપાદકીય કામગીરી આ પ્રકારની છે - એમણે વિષયોની યાદી સાથે જૈન-જૈનેતર લેખકોને નિમંત્રણ પાઠવ્યાં છે, એ માટે સ્મૃતિપત્ર લખ્યા છે ને એવા શ્રમપૂર્વક આ લેખો મેળવ્યા છે; દરેક લેખને આરંભે લેખક તથા લેખના વિષયનો પરિચય મૂક્યો છે; 147 જેટલાં ફોટાઓ અને રેખાંકનો પ્રાપ્ત કર્યો છે ને એને છાપ્યાં છે.