________________ 88 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા ગણાશે.” મોહનલાલ ઝવેરી પણ એવું જ મંતવ્ય દર્શાવે છે : “જૈન સાહિત્યના કે પશ્ચિમ હિંદના સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન કે અર્વાચીન ગુજરાતી ભાષાના ભવિષ્યના ઇતિહાસલેખકને આ ગ્રંથ વગર પગલું ભરવું પણ ચાલે એમ નથી કારણકે તે-તે ઇતિહાસનાં મૂળો અને ઉપયોગી સાધનો કયાક્યા રૂપમાં કયે સ્થળે છે તે માહિતી આ ગ્રંથ પૂરી પાડે છે.” ઉપરાંત તેઓ આ ગ્રંથની અઢળક સામગ્રીનો નિર્દેશ કરતાં કહે છે કે “આ ગ્રંથ સામાન્ય વાચકો માટેનો જ નહીં, પણ ગ્રંથકર્તાઓ, સાહિત્યકારો ને ઈતિહાસકારો માટેનો ગ્રંથ છે. તેમની પ્રચંડ સુધાને યોગ્ય આહાર આવા જ ગ્રંથ સમર્પે.” | મુનિશ્રી ન્યાયવિજયજી તો મોહનભાઈના આ ગ્રંથને શકવર્તી ગણાવે છે : “ગુજરાતી ભાષામાં આ દશકામાં ઘણાં જ ઉત્તમ પુસ્તકો બહાર પડ્યાં છે, જે પુસ્તકો એવાં છે કે અજૈન સમાજમાં પણ આપણે ગર્વપૂર્વક માથું ઊંચું કરી કહી શકીએ કે અમારા સમાજમાં પણ અપૂર્વ પુસ્તકો બહાર પડે છે. તેમાય પાંચેક પુસ્તકો તો આ દશકાનાં જ નહીં કિન્તુ આ સૈકાના ભૂષણરૂપ છે એમ કહું તો ચાલે. તેમાંય ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી સુંદર પુસ્તક ગુજરાતી ભાષામાં બહાર પડ્યું હોય તો તે છે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ.” " અગરચંદ નાહટાએ પણ “આ ગ્રંથ સાહિત્યસંસારમાં અપૂર્વ, અદ્વિતીય, અસાધારણ પ્રકાશમાન રત્ન સમાન છે” એમ કહી એનું અત્યંત ગૌરવ કર્યું છે. પૂર્ણચંદ્ર નાહરે ગ્રંથનું મૂલ્ય ઉચિત રીતે ને પૂરેપૂરું સમજાય એ માટે એને અંગ્રેજીમાં ઉતારવાનું સૂચન કરેલું. આ ગ્રંથમાં પ્રગટ થયેલી મોહનભાઈની વિવિધ શક્તિઓ પણ અવલોકન કરનારાઓના ધ્યાન બહાર રહી નથી. પૂર્ણચંદ્ર નાહર આ ગ્રંથમાં પ્રગટ થતી મોહનભાઈની “હરક્યુલિઅન” (ભગીરથ) શક્તિથી આશ્ચર્ય પામ્યા, કેશવરામ શાસ્ત્રીને મોહનભાઈમાં ગુજરાતીઓએ ખાસ માન લેવા જેવું, ઊંડું પુરાતત્ત્વજ્ઞાન જણાયું, ધીરજલાલ ટોકરશી શાહે એમની તીણ વિવેચનશક્તિ, અપૂર્વ શાસ્ત્રાધ્યયન અને પ્રૌઢ વિચારશક્તિની પ્રશંસા કરી, તો વિજયરાય વૈધે એમનાં અખંડ વિદ્યાભક્તિ અને અવિરત ઉદ્યોગ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.