________________ લોકવ્યવહારમાં અજાણને એના જાણકારના વચન ઉપર વિશ્વાસ રાખવાનો હોય છે, અને એના કહ્યા મુજબ કરવાનું હોય છે. જેને નિયત કાર્યની જરૂર હોય અને તેના જાણકારને પૂછવા જાય ત્યારે તે માર્ગ-ઉપાય બતાવે. આ જરૂરિયાત, જાણકારને પૂછવું અને તેના કહ્યા મુજબ વર્તવાની તૈયારી-તે ભક્તિ છે. પરમાત્મા મોક્ષના અસંખ્ય યોગોના માલિક છે. એમની ઉપરના શ્રદ્ધાસમર્પણથી એટલે કે સ્મરણ-શરણ-સમર્પણ અને સમાપત્તિના ક્રમથી ભક્તિ કરવાથી પોતાના આલંબન દ્વારા પરમાત્મા ઉપાસક જીવને આગળ વધવા માટેના ક્ષયોપશમ-પુણ્ય-ઉત્સાહ અને પુરુષાર્થ આપે છે. પરમાત્માની મૂર્તિની પૂજા-સ્મરણ-જાપ-સ્તવના તથા આજ્ઞાને જાણવાની, સમજવાની, યાદ રાખવાની અને આચરવાની ભાવના, શક્ય આચરવું વગેરે અનેક પ્રકારે ભક્તિ છે. બધામાં પ્રભૂચિંધ્યા માર્ગે જવાનું હોય છે. પરમાત્માના માર્ગ ઉપરની અનન્ય શ્રદ્ધા ભક્ત જીવને પરમાત્મા બનાવે છે. દેવની શ્રદ્ધા વગર ગુરુ અને ધર્મની શ્રદ્ધા સફળ બનતી નથી. ગુરુ કે ધર્મની શ્રદ્ધા પછી પણ દેવની શ્રદ્ધા આવે તો જ પૂર્ણ બને છે. કારણ કે છદ્મસ્થનો કરાતો ધર્મ ખોડખાપણવાળો અને અપૂર્ણ હોય છે. ગુરુ પણ છદ્મસ્થ, શક્તિથી અધુરા અને દોષથી યુક્ત છે, છતાં કેવળજ્ઞાની પરમાત્માએ કહેલા ધર્મને લક્ષમાં રાખી શક્યતા મુજબ જે છદ્મસ્થો ધર્મ કરે છે તે કરણીય, પ્રશંસનીય અને અનુમોદનીય છે. માટે પરમાત્માની શ્રદ્ધાથી જ ધર્મની શ્રદ્ધા વાસ્તવિક છે. એવી જ રીતે પરમાત્માના વચનાનુસાર વર્તવા મથતા મહાવ્રતધારી ગુરુવર્યો જ સાચા ગુરુ છે. જો પરમાત્મા અને પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા ન હોય તો ગુરૂ ઉપરની શ્રદ્ધા પણ વાસ્તવિક નથી. ભગવાન ઉપરની શ્રદ્ધા તેમના શાસનના દરેક અંશ ઉપર શ્રદ્ધા લાવે છે તેથી પરમાત્મા ઉપરની ભક્તિથી પરમાત્માના શાસનના દરેક અંગની ભક્તિ આવે છે. તેથી પરમાત્માની ભક્તિમાં શાસનના બધા જ અંગની ભક્તિ સમાયેલી છે, ફક્ત જો તે તે અંગોમાંથી કોઈપણ અંગ પ્રત્યે અરુચિ કે ઉપેક્ષા ન હોય તો... માટે શાસનના કોઈપણ અંગની આરાધના જો પરમાત્માના વચનની ઉપેક્ષા કે અરુચિવગરની હોય, રુચિપૂર્વકની હોય તો તે પણ પરમાત્મભક્તિ છે. ફક્ત શાસનના તે તે અંશની ભક્તિમાં પ્રથમ તે અંશ વિકસે, પછી બીજા બધા વિકસે; જ્યારે પરમાત્મ ભક્તિમાં, સંયમ પાલનમાં, પંચાચારમાં બધા જ અંગો એક સાથે વિકસે છે. માટે પરમાત્મ ભક્તિ એ સર્વ ગુણો અને સર્વોત્કૃષ્ટ સુખનું બીજ બતાવ્યું છે. XXXXXX