________________ જિનેશ્વર ભગવંતે સાર્થવાહ બનીને સ્વયં ખૂંદેલો (અને પછી જગતને બતાવેલો) મોક્ષમાર્ગ અંગીકાર કરીશ, અને એમાં એવું કરીશ એવું શ્રમણપણે પાળીશ) કે જેથી સંસારવાસમાં સુલભ એવા પ્રિયના વિયોગના દુઃખ મારે ફરીથી દેખવાના રહે નહિ. શ્રમણપણું એ જનમવું-મરવું વગેરે દુ:ખોનું વિરેચન છે. એટલે જેમ નેપાળો એ પેટમાં આંતરડામાં ભરાયેલી સમસ્ત બાદી-મળને કાઢનારું વિરેચન-જુલાબ છે, એમ સંયમ-ચારિત્ર એ સર્વ દુઃખોના મળને કાઢનારો જુલાબ છે. તરંગવતીની જૈનધર્મ પરની જિનવચન પરની, અને જિનેશ્વર ભગવંત ઉપરની શ્રદ્ધા જોવા જેવી અને અનુસરવા જેવી છે. કેટલી બધી સમૃદ્ધિવાળા શેઠની લાડકી દીકરી છે ! એના અપ્રતિમ લાવણ્ય અને સૌંદર્ય પર ઓવારી જઈને કેટલાય મોટા શેઠિયાઓ પોતાના દીકરા માટે એના માંગ કરી રહ્યા છે ! બહાર નીકળે ત્યારે યુવાનો કેવા આકર્ષાઈ રહ્યા છે ! આવા વૈભવસૌંદર્યવાળી તરંગવતીની આ ધાર્મિક વિચારધારા એ શું સૂચવે છે ? એ જ કે એવી માનસિક સૃષ્ટિ રચવામાં એ સ્વતંત્ર છે. તરંગવતી માતા પાસે જઈ પગમાં પડે છે. એનો ઉદાસ ચહેરો જોઈ માતા પૂછે છે, “કેમ બેટી ! ઉદાસ ?' આ શું કહે ? એટલું જ કહે છે, “માથું દુખે છે. કેમકે એને પૂર્વ જન્મની કશી વાત માતાને કહેવી નથી. માતા કહે “તો તમે જલદી ઘરે પહોંચી જાઓ; હું પણ પાછળ આવું છું.” સખી સાથે તરંગવતી ઘરે પહોંચી માતા પણ બીજી બાઈઓને “મારે જરૂરી કામ છે તેથી હમણાં જ હું ઘરે જાઉં છું' કહીને ઘરે આવે છે. ઘરે આવી શેઠને વાત કરે છે. ઉદ્યાનમાંથી તરંગવતી ઘરે : મા-બાપને લાડકી દીકરી છે, એટલે બાપ માને છે કે “એના થોડા પણ રોગની ઉપેક્ષા ન થાય, નહિતર શત્રુનો વૈભવ વધવાની ઉપેક્ષા જેવું થાય !! તેથી એમણે તરત કુશળ વૈદ્યને બોલાવ્યો. વૈદ્ય મુદ્રા અને નાડી પરથી પરખી લે છે, છતાં પૂછે છે, તને ક્યાં પીડા છે ? કાલે આહાર શો લીધેલો ? રાત કેવી ગયેલી ? તરંગવતીએ જાતિસ્મરણની બીના સિવાયની હકીકત કહી. વૈદ્ય શેઠને કહ્યું “કશી ચિંતા કરવાને કારણ નથી કેમકે વાત-પિત્ત-કફ એકેયનો પ્રકોપ નથી સમનાડી છે.” 88 - તરંગવતી