________________ પ્ર.- તરંગવતી જો સંસારવાસને દુઃખદ માને છે, અને પૂર્વપ્રિય સિવાય બીજા કોઈને પોતાના પ્રિય બનાવી સંસારમાં મહાલવા ઇચ્છતી નથી, તો પછી પૂર્વ જન્મના પ્રિય ચકોરને પણ અહીં કેમ પ્રિય કરવા ઇચ્છે છે ? ઉ.- એજ મોહનીય કર્મની પ્રબળતા સૂચવે છે. તીર્થકર ભગવાન જેવા જનમથી મહાવિરાગી ! એમનું આખું ય ગૃહસ્થજીવન મહાવૈરાગ્યથી ઝળકતું ચમકતું, તે રાજાશાહી ખાનપાન વસ્ત્રાલંકાર અને સુખની ઉચ્ચ સામગ્રી છતાં બીજા પામર પ્રાણીની જેમ એમાં, તળાવડામાં ભેંસની જેમ, ઠરીને નિરાંતે બેસતા નથી. વિષયના કીચડમાં લીન-લંપટ બનતા નથી, પરંતુ જળકમળવતું નિર્લેપ અલિપ્ત રહે છે. કુટુંબીઓએ એમને સારું સારું ખવડાવવા-પીવડાવવાપહેરાવવા મનામણાં કરવા પડે છે. આવા મહાન વિરાગી ભગવાન પણ લગ્ન કેમ કરે છે ? કહો, મોહનીય કર્મની બળવત્તાને લીધે. અલબત આ મોહનીય તે નિકાચિત રાગમોહનીય કર્મ, એનાં દળિયા એવા ખંધા કે એ મહાવૈરાગ્યથી પણ તૂટે નહિ ! એ તો ઉદયમાં આવી પોતાનો ભાવ ભજવે જ. જીવ પાસે જડ વિષયોના રાગની પ્રવૃત્તિ કરાવે જ; પરંતુ સાથે દર્શનમોહનીય કર્મ એવું નબળું પડી ગયેલું છે કે એ જીવને વિષયોમાં અંધમોહિત-ભાનભૂલો ન કરે, હેયતાનું ભાન ન વીસરાવે; રાગમોહનીય કર્મ જડ વિષયો પર રાગ અને રાગની પ્રવૃત્તિ કરાવે કિન્તુ સાથે દર્શનમોહનીયનો ક્ષયોપશમ એમાં ત્યાજયતાનું ભાન જાગ્રત રખાવે; અર્થાત અંતરમાં મનને લાગ્યા કરે કે “આ વિષયો વિષ સરખા છે, એનાથી જીવને કશો જ્ઞાનાદિનો લાભ નહિ, ઊલટું પાપોનો લાભ કરાવે ! માટે એ વિષયો અત્યંત ત્યાજય છે.” તરંગવતીની સંસારની ઓળખ અને વૈરાગ્યભાવના : તરંગવતીની એ સ્થિતિ હતી, પૂર્વના પ્રિય પર ભારે મમતા હતી છતાં સંસારના વિષયોના સંગને વિટંબણા લેખે છે, તેથી નક્કી કરે છે કે પૂર્વના પ્રિય ન મળે તો જિન સાર્થવાહે પ્રરૂપેલ મોક્ષમાર્ગે પ્રયાણ કરીશ.” ત્રિભુવન ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલ સર્વ દુઃખનો અંત કરનાર મોક્ષમાર્ગને અપનાવીશ, જેમાં સર્વ સંગનો ત્યાગ હોવાથી પ્રિયના સંગ-સમાગમ કરવાના રહે જ નહિ. પ્રિયના સંગ હોય તો વિયોગનો સંભવ રહે ને ? પણ મોક્ષ થયા પછી જયાં જનમ જ નહિ, ત્યાં સંગ પણ નહિ, તો વિયોગ પણ નહિ જન્મમરણની પીડા કેમ ઊભી થાય છે ? સંયમમાર્ગમાં એક માત્ર પોતાના આત્માના હિત-અહિત સામે જ જોવાનું રાખ્યું, અહિતનો 84 - તરંગવતી