________________ આનંદ કેટલા ટકે છે ? છતાં જીવની ગમારિતા છે કે એવા નાશવંત આનંદ ખાતર અઢળક પાપો કર્યે જાય છે. ક્યારેય પૂર્ણવિરામ નથી. દુનિયાના ક્ષણિક આનંદ ખાતર અઢળક પાપ આચરાય, એ ગમારિતા છે. તરંગવતી આગળ ચલાવે છે,- ત્યારે જો બેન ! આ દુનિયાના વિષયોની રમતમાં અણધાર્યા આક્રમણ કેવા આવે છે ! ત્યાં સરોવરમાં એક જંગલી હાથી ખેલવા માટે આવ્યો અને સૂંઢમાં પાણી ભરીને ચારેબાજુ ઉડાડવા માંડ્યો. નાના પંખેરાના શા ભાર કે આ પાણીની ઝાપટમાં સરખી રીતે ખેલી શકે ? ટપોટપ દૂર ઊડવા લાગ્યા એમાં મારો પ્રિય ચકોર કમનસીબ, તે ઊડતાં બાણથી વીંધાયો ! બન્યું એવું કે ત્યાં એક વનચર પારધી જુવાને દૂર ઝાડ પર ચડી હાથીનો શિકાર કરવા બાણ છોડેલું. બાણ બરાબર એ વખતે જ છૂટ્યું કે જ્યારે મારો પ્રિય ચકોર હાથીના જલ છંટકાવના ત્રાસથી ઊડીને દૂર જવા જતો હતો, તે બાણ હાથી સુધી પહોંચે એ પહેલાં એણે મારા પ્રિયને લઈ નાખ્યો ! તીક્ષ્ય બાણ મારા પ્રિયના શરીરમાં ઘૂસ્યું, એના પ્રહારથી મારો પ્રિય ચકોર ભારે વેદનાથી બાણ સાથે પડ્યો નીચે પાણી પર. સારસિકા ! પેલા પારધીએ જ્યાં મોટા હાથીનો વિનાશ કરવા છોડેલું તીક્ષ્ય બાણ વચમાં ઊડતા મારા પ્રિય ચકોરને કમ્મરના ભાગમાં વીંધી નાખ્યું, ત્યાંથી મારા દુઃખની કહાણી શરૂ થાય છે. નદી સરોવરમાં અને એના તટ પર અમે અન્યોન્ય એકમેક થઈને ખેલી રહ્યા હતા ને એટલા બધા સુખમગ્ન હતા કે એકબીજા વિના અમે રહી શકતા નહોતા, એ સ્વર્ગીય આનંદનો અહીં અંત આવ્યો. સંસારની 84 લાખ યોનિઓમાં જીવો ઝાંઝવાના નીર જેવી સંસારની ક્ષણિક સુખ-સગવડમાં મોહિત થઈ શું જોઈને આનંદ માણતા હશે ? મોતનો વિકરાળ પંજો જોતજોતામાં આવી પડે છે, ત્યાં બધું ય સુખ અને બધો ય આનંદ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે, ને જીવ પારાવાર દુઃખમાં ખૂંચી જાય છે. ચકોરીનો કલ્પાંત : મારો પ્રિય ચકોર બાણે વીંધાયો. ગાઢ પ્રહારથી વેદના વિહ્વળ થઈ તરફડતો બાણ સાથે પડ્યો પાણી પર; એ દશ્ય મારે જોવું અસહ્ય હતું, તેથી હું વિના બાણ-પ્રહારે અતિશય પ્રેમની મારી બેભાન થઈ પડી પાણી પર. થોડી કર્મ ! તારી ગતિ ન્યારી 71