________________ કરવામાં કારણભૂત છે; નહિતર સંભવ છે કે પોતે કલ્પેલું બરાબર હોય નહિ, ને શાસ્ત્ર જોવા ન હોય, તો માણસ એ કલ્પિત અસત્ તત્ત્વમાં જ તણાયો જાય તે સંભવિત છે. બિચારો જિંદગીભર મિથ્યાત્વની શ્રદ્ધાની પકડ રાખીને બેસે. એમાં વળી આગળ જતાં કોઈ એની માન્યતાને શાસ્ત્રપાઠથી વિરુદ્ધ હોવાનું બતાવે, તો તે ન સ્વીકારવાનો અભિનિવેશ આવી જાય. તરંગવતીની ધર્મચર્યા : તરંગવતીને “સપ્તપર્ણાની કલ્પના યથાર્થ છે કે કેમ ?' એની તપાસ કરવાની આતુરતા થઈ એ પિતાને કહી. પિતાએ મુખ્ય માણસને હુકમ કર્યો કે કાલે ઉદ્યાનમાં ઉજાણી જમણ ગોઠવવાનું છે. ઘરમાં બધાને કહી દીધું. સાધ્વીજી શેઠાણીને કહે છે “સવારે વહેલી ઊઠીને અરિહંત વંદના અને સંક્ષિપ્ત પ્રતિક્રમણ કરી લઈ વડીલોને પગે પડી આવી. બધાએ ‘તું સુખી થા એવી આશિષ આપી. પછી સ્નાન કરી ગૃહમંદિરમાં પરમાત્માની પૂજા ભક્તિ કરી. પ્રભુભક્તિમાં મને ખૂબ ઉલ્લાસ રહેતો. અંતે પ્રાર્થના કરી કે “હોઉ મર્મ તુહપ્પભાવઓ ભયવં ભવનિબૅઓ... ઇફ્રુફલ સિદ્ધિ” “હે ભગવંત ! તમારા (અચિંત્ય) પ્રભાવે મને ભવનિર્વેદ...ઇચ્છિત (ઇહલૌકિક) કાર્ય સિદ્ધ થાઓ.’ આ પ્રાર્થનાથી હું ‘ઇચ્છિત પતિ ક્યારે મળશે...' વગેરે ચિંતાથી મુક્ત રહેતી. ચિંતા શું કામ કરું ? મારા નાથ અચિંત્ય પ્રભાવવંતા છે. કલ્પના બહારના એમના પ્રભાવથી અચિંત્ય સિદ્ધિઓ થાય છે. ઠેઠ નિગોદમાંથી અહીં સુધી આપણે શી રીતે આવ્યા ? એ નાથના જ પ્રભાવે. હજી આગળ પણ ઠેઠ મોક્ષ સુધી પહોચશું એ કોના પ્રભાવે ? આ જ જગતદયાળુ અરિહંત દેવના જ પ્રભાવે. આમ અરિહંતના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા રાખી પ્રભુને આપણો કેસ સોંપી દેવાથી ચિંતાઓ વિકલ્પો અને આર્તધ્યાનથી બચી જવાનું. પછીથી બધાની સાથે અલ્પાહાર પતાવી અમારી ઉદ્યાન તરફ સવારી નીકળી. એમાં બા બાપુજી આઠ ભાઈઓ ને ભોજાઈઓ બધાની હું લાડકી, તે મારા માટે દેવ વિમાન જેવી પાલખીમાં મને બેસાડેલી ને નગરના મોટા રસ્તા પરથી જયારે અમારી સવારી પસાર થતી હતી, ત્યારે નગરની સ્ત્રીઓ મને જોઈને મુગ્ધ થઈ જતી હતી કે કેમ જાણે આ સાક્ષાત લક્ષ્મીદેવી શૃંગાર સજીને જઈ રહ્યા લાગે છે ! નાગરિક સ્ત્રીઓ ઓવારણાં ઉતારતી, બોલતી,- “શું વિધાતાએ આને રૂપ સૌંદર્ય અને સમૃદ્ધિ આપી છે !' - તરંગાવતી