________________ ભવસાગર તરવા માટે કઠિન આચારોનો મોટો મેરુભાર અવિશ્રાંતપણે એટલે કે ભારે કષ્ટ છતાં વચમાં એ ભાર ઉતારી નાખીને વિસામો લીધા વિના, ભારને સતત અખંડપણે વહન કરવો પડે છે ! ને એ કામ બહુ દુષ્કર છે. તું શી રીતે વહન કરી શકે ?" ત્યારે મેં કહ્યું, “હા પ્રભુ ! એ પવિત્ર આચારોનો માર્ગ કઠિન હશે, પરંતુ ઉદ્યમી પુરુષાર્થી પુરુષને કશું જ કઠિન નથી. આમે ય દુર્ગતિઓમાં દુઃખોનાં મૂશળધાર વરસાદ નીચે ભારે ભારે કઠિનાઈઓ પણ ક્યાં નથી વેઠી ? હવે મારો નિર્ધાર છે કે તમારી દીક્ષાને અંગીકાર કરીને પવિત્ર આચારોના પાલનમાં લાગી જાઉં, ને એમાં ક્યારેય પણ પાછી પાની કરું નહીં.” 24. મુનિનું વિશાળ અધ્યયન મહાત્મા કહે, “તો આ તારો નિર્ધાર સુંદર અને વાજબી છે, કેમકે એ આચાર-પાલન સર્વ દુઃખોનો અંત લાવનાર છે. હું તને એનું પ્રદાન કરું છું.” એમ કહીને એમણે મને પાંચ મહાવ્રત ઉચ્ચરાવ્યા. અને સાધુ ધર્મમાં સ્થાપિત કર્યો સાથે મહાવ્રતનાં પચ્ચકખાણનાં મર્મ મને સમજાવ્યાં. - સાધુ બનેલા મને (1) પહેલી આસેવન-શિક્ષામાં વિનયના અને સામાચારીના પ્રકારો સમજાવ્યાં, ગમનાગમન, બેઠક-ઉઠક, ગોચરી-ભિક્ષા અંગેની નિર્દોષ વિધિ, ચીજ-વસ્તુનું સ્થાપન-ગ્રહણ...વગેરેની વિધિ, જેમાં મુખ્યતયા સૂક્ષ્મ પણ જીવની ય વિરાધના ન થાય એવી સાવચેતીઓ હોય છે, એની યાને સમિતિની, તથા અશુભ પ્રવૃત્તિ ત્યાગ શુભ પ્રવૃત્તિ પ્રવર્તનરૂપ ગુપ્તિની તાલિમ આપી. ઉપરાંત રાતભર અને દિવસભરના પૂલ સૂક્ષ્મ પાપોનું પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવું, એ પણ શિખવાડી દીધું, (2) બીજી ગ્રહણ-શિક્ષામાં મને શાસ્ત્રો ભણાવ્યા. એમાં ક્રમશઃ આવશ્યક દશવૈકાલિક વગેરે “ઉત્કાલિક શ્રુત', તથા “કાલિક શ્રુત’માં ઉત્તરાધ્યનનાં 36 અધ્યયન વગેરે કાલિક શ્રુત, અને આચારાંગમાં વિમુક્તિ-માર્ગ સુધી આચાર; એમ સૂયગડાંગ ઠાણાંગ સમવાયાંગ,...વગેરે “અંગ-પ્રવિણ' શ્રુત ભણાવ્યા. એ પછી તો મારા જીવનમાં આ મહાન આગમ-સૂત્રોના પદાર્થો હું વારંવાર રટતો-મમરાવતો ગયો, એમાં વળી આગળ વધતાં ગુરુએ મારામાં યોગ્યતા જાણીને અગિયાર અંગ આગમ ઉપરાંત દૃષ્ટિવાદ નામનું બારમું “અંગ” આગમ પણ ભણાવવા માંડ્યું. 33) - તરંગવતી