________________ લાચાર બની ગયો છું કે નથી તો આ નિર્દય ચોરોને કાંઈ કરી શકતો, કે નથી તો તારી પછીની ચિંતામાં મરી શકતો ! કર્મના અણધાર્યા હુમલા પર ચિંતન : વિચારવા જેવું છે કે, બંને જણા અત્યંત કષ્ટમાં મુકાયા છે. લૂંટારા ધારે તેમ એમના પર કષ્ટ વર્ષાવી રહ્યા છે. માણસ કોઈ હઠવાદમાં ચઢે અથવા કોઈ લાલસા અભિમાનમાં ચઢે ત્યારે એને ભાવી કર્મના આવા કોઈ હુમલા મનની સામે આવે ખરા ? કેમ જાણે દુનિયામાં જે માણસના જોવા સાંભળવામાં ય આવે છે, એ પોતાને કદી નથી આવવાની ! એટલે પોતાની જાત માટે નિશ્ચિત બેઠો રહે છે. ઉત્તમ મનુષ્યજન્મ કે જયાં એવાં એવાં ત્રાસને લાવનારા પાપોનો નાશ કરવા માટે વીતરાગ પરમાત્માના ધર્મને આરાધવાની ઉત્તમોત્તમ તક છે, ત્યારે બુદ્ધ જીવને તેની ગમ જ પડતી નથી ! જનાવરના અવતારે તો ત્રાસ વરસવા છતાં એને બિચારાને ધર્મની ગમ ન પડે એટલે ધર્મ સંભાળવાની વાત નહિ. માત્ર ભયંકર ત્રાસ વેઠી વેઠી પૂર્વના એટલા પાપના જથ્થા ખપાવવાનું થાય; પરંતુ બીજી બાજુ અજ્ઞાનતા અને મૂઢતાથી મનમાં કેટલાય કષાય તથા રૌદ્રધ્યાન કરી કરી પાર વિનાના નવા ઘોર પાપ બાંધે છે ! નાગદત્ત શેઠનો બાપ ધૂમધામ વેપાર અને અન્યાય-અનીતિના પાપ કરી, મરીને પાપફળની પાશેરામાં પહેલી પૂણી રૂપે બકરો થયેલો તે કસાઈના હાથમાં બે રૂપિયામાં ખરીદાયો ! કસાઈ બજાર વચ્ચેથી એને લઈ જતાં બકરાએ પોતાની દુકાન જોઈ, અને પૂર્વ જન્મનું એને સ્મરણ થઈ આવ્યું, દુકાન ઓળખી, પોતાનો દીકરો એમાં શેઠ થઈને બેઠેલો એને ઓળખ્યો, એટલે દીકરો મને બચાવશે એમ ધારી હડપ કરતોક કૂદીને દુકાનમાં ઘૂસી ગયો. કસાઈ નાગદત્ત શેઠને કહે શેઠ ! બકરો નીચે ઉતારો ! ન ઉતારવો હોય તો રૂપિયા બે આપી દો, બીજો બકરો ખરીદી લઈશ. બકરાના ભારે કર્મની લીલા જુઓ, નાગદત્ત શેઠ બકરાને ઓળખતો નથી કે આ મારો બાપ છે એટલે તો કદાચ એને ન બચાવે, છતાં બે રૂપિયા જેવી મામૂલી વસ્તુ ફેંકી દઈ આ એક પંચેન્દ્રિય જીવને બચાવી લઉં ! એટલી દયા પણ એને નથી આવતી ! તે કસાઈને કહે છે, શું રૂપિયા ઝાડ પરથી મફતમાં મળે છે? લે તારો બકરો, હમણાં એને આંકણી ફટકારીને નીચે ઉતારું છું,” એમ કહી બકરાના શરીર પર આંકણી જોરજોરથી ફટકારીને હટ હટ કહેતોક નીચે ઉતારે છે ! ત્યારે બકરો, જે કર્મ ! તારી ગતિ ન્યારી 225