________________ શસ્ત્રરૂપ બને છે. બીજા જીવોને પીડા-કિલામણા એ પણ હિંસા છે. પરજીવોની હિંસા બાહ્ય શસ્ત્રથી થાય છે. આપણા આત્માની હિંસા આભ્યન્તર રાગ-દ્વેષાદિ કષાયોથી થાય છે. માટે એ રાગ-દ્વેષાદિ આંતરશસ્ત્ર છે. તેથી એ રાગદ્વેષાદિ કરાવનાર ઇંદ્રિયો અને એના શબ્દાદિ વિષયો એ પણ શસ્ત્રરૂપ ગણાય. બાહ્ય શસ્ત્રથી પરજીવના એક જનમનું મોત થાય છે, ત્યારે આ કષાયો અને વિષયોથી આપણા આત્માને અનેક જન્મોનાં મોત થાય છે, જનમ જનમ મોત સુધીની પીડાઓ ભોગવવી પડે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે આ રાગદ્વેષાદિ કષાયો અને ઇન્દ્રિય વિષયો એ મહાશસ્ત્રો છે, સ્વાત્માની મહાહિંસા કરે છે. હિંસા એ પાપ છે, અહિંસા એ ધર્મ છે. એવો અહિંસાસ્વરૂપ ધર્મ સાચા અને પૂર્ણ સ્વરૂપમાં એકમાત્ર વીતરાગસર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાને જ બતાવેલો છે; કેમકે અહિંસામાં સર્વ જીવોની એટલે કે જગતના તમામ સૂક્ષ્મ-સ્કૂલ જીવોની હિંસા ટાળવી છે. એ સર્વ જીવોનું એમને પ્રત્યક્ષ જ્ઞાન છે તેથી એની ઓળખ એમણે આપી છે. અ-સર્વજ્ઞ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને જોઈ જ શકતા નથી જીવ તરીકે જાણી જ શકતા નથી પછી પોતે ય એની અહિંસા શી રીતે પાળી શકે ? અને બીજાને ય શી રીતે એ જીવોની ઓળખ કરાવી શકે ? કે એ જીવોની ઓળખ જ નહિ તો એમની શી અહિંસા બતાવી શકે ? એ તો સર્વજ્ઞ ભગવાન જ સૂક્ષ્મ એકેન્દ્રિય સુધીના જીવોને સાક્ષાત જોઈ શકે છે, અને જગતને એની ઓળખ આપી અને એની અહિંસા કેમ પાળવી એનું માર્ગદર્શન આપી શકે. એટલે કહો, જગતમાં એકમાત્ર સર્વજ્ઞ તીર્થકર ભગવાન જ પૂર્ણ જીવવિજ્ઞાન અને સંપૂર્ણ અહિંસાધર્મ આપી શકે. માટે એ જ જગતના સાચા ત્રિભુવન ગુરુ છે, એ જ જગતના સાચા તારણહાર છે. જગતના જીવોને જે પૂર્ણ અહિંસામાં ન લઈ જઈ શકે એ એમને ક્યાંથી ભવસાગરમાંથી તારી મોક્ષ અપાવી શકે ? શી રીતે તારણહાર બની શકે ? તાત્પર્ય, વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ભગવાન સાચા તારણહાર છે, સર્વ દેવોના અધિપતિ દેવાધિદેવ છે. એમના ઉપદેશાનુસારે સૂક્ષ્મ જીવોની ય અહિંસા પાળે એનું ય હિત થાય, અને જે જીવોની અહિંસા પાળે એ અહિંસા દ્વારા એ જીવોને ય દુ:ખ ન પહોંચવા રૂપે એ જીવોનું ય હિત થાય. આમ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાન સર્વ જીવોનું હિત કરનારા છે. 18 - તરંગવતી