________________ દોસ્ત છે ! શિલ્પી ક્યારેય બરફમાં મૂર્તિ નહીં ઘડે, કે બદામી કોલસાને પણ હાથ નહીં લગાડે. એ તો આરસના ટુકડાને જ હાથ ઉપર લેશે. માટે શિલ્પી જે પત્થર ઉપર નજર કરે તે પથ્થરનું તે સૌભાગ્ય છે, દુર્ભાગ્ય નથી. કારણ કે શિલ્પીની નજર જેવા તેવા ઉપર નથી પડતી. શિલ્પી માટીના ઢેફા ઉપર કે બદામી કોલસા ઉપર ટાંકણા નથી લગાવતો. તેનો મતલબ એ નથી કે શિલ્પીને માટીના ઢેફા ઉપર રાગ છે. તથા આરસને ટાંકણા મારે છે, તેનો મતલબ એ નથી કે શિલ્પીને આરસ ઉપર દ્વેષ છે. બાહ્ય જગતનું આ સમીકરણ જેટલું સરળતાથી ગળામાં ઉતરી જાય છે તેટલી સરળતાથી આંતર જગતમાં આ સમીકરણ ગળાની નીચે ઉતરતું નથી. ‘પાપ કરનારા ઘણા બધાં હોવા છતાં આપત્તિઓ કોઈના ઉપર નહીં અને હું થોડો ઘણો ધર્મ કરું છું, છતાં મારી ઉપર આપત્તિઓનો વરસાદ વરસે છે. બસ ! ભગવાનને હું એક જ દેખાઉં છું' - આજ કાલ આવા પ્રકારની વિચારધારા લગભગ માણસોમાં જોવા મળતી હોય છે. - દરેકને એમ લાગે છે કે મારા ઉપર જ આટલી બધી તકલીફો શા માટે ? પણ તે વખતે શું આ વાત યાદ નથી આવતી કે “શિલ્પી જેવી કર્મસત્તા મને ટાંકણા મારે છે. તેને મારા ઉપર વિશ્વાસ છે કે આને ટાંકણા મારીશ એટલે એમાંથી અદ્ભુત કલાકૃતિ સર્જાઈને જ રહેશે. ક્રોધથી વિકૃત થવાને બદલે આમાંથી ક્ષમાદિ ગુણોની અદ્ભુત નકશી જ પ્રગટશે. અને એટલે જ કર્મસત્તાએ મારી પસંદગી કરી છે. બીજા બધાં ઉપર એને વિશ્વાસ નહીં હોય. માટે જ તે બીજા કોઈના પણ ઉપર આપત્તિઓને વરસાવતી નથી. મારે આ આપત્તિઓમાં પણ ક્ષમા વગેરેને અપનાવવા દ્વારા તેના વિશ્વાસને સાચો ઠેરવવો છે.” આવી વિચારધારા કદાપિ પ્રગટી કે નહીં ? હવે પ્રગટશે ? જો આરસના પથ્થર ઉપર જ ટાંકણા મારવા છતાં શિલ્પીને તેના ઉપર દ્વેષ નથી તો “પરમાત્માને, ધર્મસત્તાને, કર્મસત્તાને હું એક જ દેખાઉં છું'. - આવું માનવાને અવકાશ ખરો ? 395