________________ તમે જો અંદરથી પ્રામાણિક અને નિર્દોષ હશો તો તે આક્ષેપ, અપમાન, અન્યાય વગેરેને સ્વસ્થ ચિત્તે સહન કરવાનું અંતિમ પરિણામ તો અવશ્યમેવ સુંદર જ હશે. કારણ કે એક અદશ્ય પરિબળ આ બધી બાબતોના લેખાજોખા રાખે છે. અપમાનને સહન કરવા દ્વારા અનંતા કેવલજ્ઞાનીઓની નજરમાં તમે તમારી છાપ સારી પાડી, તેની નજરમાં તમે ઊંચકાયા - આ મોટો ફાયદો નથી ? અદશ્ય પરિબળની નજરમાં તમારી જાત ઊંચકાતી હોય પછી લોકોને ભલે ને જે બોલવું હોય તે બોલે. લોકો જેના માટે સારું બોલે તેને પરલોકમાં સદ્ગતિ જ મળે અને લોકો જેના માટે ખરાબ બોલે તેને પરલોકમાં દુર્ગતિ જ મળે - તેવું તો નથી જ. સીતામૈયા માટે લોકોએ ગમે તે વાત કરી. છતાં સીતામૈયા બધાં અપમાનને ખમી બારમા દેવલોકના ઈન્દ્ર તરીકે ગોઠવાઈ ગયા ! લોકોની વાતોને આટલું વજન આપવું જ શા માટે ? માત્ર આ લોકમાં વાહ વાહ થઈ જાય તેવા જ કામ તમારે થોડા કરવાના છે ? દૃષ્ટિ પરલોક તરફની રાખો. પરલોક સદ્ધર થાય તેવા કામો કરવાના છે. પછી ભલે ને લોકો તેમાં નારાજ થાય, ભલે ને લોકો જેમ-તેમ બોલે. જેમ જેમ અન્યાયના પ્રસંગોમાં સમતાને સમાધિ ટકાવશો, તેમ તેમ પ્રભુના દિલમાં તમારું સ્થાન ઊંચકાતું જાય છે, પ્રભુનો પ્રસાદ વરસે છે. આ વાત ભૂલાય નહિ તો ક્રોધ પલાયન જ થઈ જાય. ગુંડો સામે દેખાતો હોવા છતાં તમારી બાજુમાં જો પોલિસ હોય તો તમને ડર કેટલો ? પોલિસ બાજુમાં હોવાનો તમને એક પાવર હોય છે. કદાચ પોલિસ સિવિલ ડ્રેસમાં હોય છતાં એની એક હૂંફ તમને અનુભવાય છે. તેવી જ રીતે અપમાનની હારમાળા વચ્ચે રહેવા છતાં, ઢગલાબંધ અન્યાયના પ્રસંગો વચ્ચે પણ જો પ્રભુની હૂંફ હોય, “પ્રભુ મને બચાવશે, જેટલી સમતા રાખીશ તેટલા મારા પ્રભુ વધુ પ્રસન્ન થશે, તેમનો મારા ઉપર પ્રસાદ વધુ ને વધુ વરસશે...” આવી વિચારધારા હોય તો ક્રોધ થાય નહીં. આંતરચક્ષુથી આ વાત સમજી શકાય તેવી છે. બહારની ચામડાની આંખથી આ વાત જોઈ - સમજી નહીં શકાય. 389