________________ અત્યાર સુધી અનેક પોલિસીઓ દ્વારા આપણે વિચાર્યું કે ક્રોધને આવતો કેવી રીતે અટકાવવો ? શી રીતે ક્રોધને પ્રગટવા જ ન દેવો ? ટ્રાફિક પોલિસીએ પણ એ જ સંદેશો આપ્યો કે કોઈની પણ સાથે અકસ્માત ન થઈ જાય, તેટલી સાવધાની રાખી તમારી ગાડી હાંકો. હવે, આ પોલિસી થોડી જુદી વાત કરવા માંગે છે. ધારો કે તમે સાવધાની રાખવા ગયા છતાં અકસ્માત થઈ ગયો કે પછી મન કાબૂમાં ન રહ્યું અને જાણવા છતાં અથડામણ થઈ ગઈ તો હવે શું કરવાનું? એનો જવાબ આ પોલિસી આપે છે. આગમાં હાથ નાખી દેનાર માણસનો પ્રયત્ન ભવિષ્યમાં ફરીથી આગમાં હાથ ન જતો રહે - તે માટેનો જ હોય છે. તો પછી ક્રોધથી દાઝી ગયેલા સાધક આત્માનો દરેક પ્રયત્ન ફરીથી ક્રોધથી દાઝી ન જવાય તે અંગેનો જ હોય, તેમાં શું આશ્ચર્ય ? ક્રોધ ફરીથી ન આવે તે માટે એક પ્રયોગ કરવા જેવો છે. 365 પાનાની, તારીખ પ્રમાણેની, એક નાનકડી ડાયરી રાખો. એમાં સમય મુજબના ખાના પણ પાડી દો. હવે, જ્યારે જ્યારે પણ તમે ગુસ્સો કરી બેસો, ત્યારે લાંબું બીજું કશું કરવાના બદલે તે ડાયરીમાં તારીખ અને સમય મુજબ એક કાળું ટપકું કરી દો. ડાયરી સાથે જ રાખવી. અને જેવો ગુસ્સો આવે કે તરત જ ડાર્ક કાળી પેનથી કાળું ટપકું કરી દેવું. 230.