________________ તેટલી તૈયારી દુર્યોધને કરી લીધી. નિશાન પણ બરાબર લઈ લીધું. અને દ્રોણાચાર્યજીએ પૂછ્યું - ‘દુર્યોધન ! સામે તને શું દેખાય છે ?' દુર્યોધને જવાબ વાળ્યો - ‘આકાશ, ઝાડ, પક્ષી...બધું દેખાય છે.” દ્રોણાચાર્યે કીધું - “સારું, હવે તું બેસી જા. પંખીની આંખ વીંધવાની નથી.” પછી યુધિષ્ઠિર આવ્યા, ભીમ આવ્યો - બધાંની લગભગ આ જ હાલત. છેલ્લે અર્જુને આવ્યો. તેણે પણ નિશાન લીધું. દ્રોણાચાર્યજીએ તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો - ‘અર્જુન ! તને શું દેખાય છે ?' અર્જુને કીધું - “મને માત્ર પક્ષીની ડાબી આંખ જ દેખાય છે.” દ્રોણાચાર્યજી હર્ષથી બોલી ઉઠ્યા - ‘અર્જુન ! તું પરીક્ષામાં પાસ થઈ ગયો.' અર્જુન પોલિસી આપણને આ જ સૂચવી રહી છે. જેમ અર્જુને બીજે કશે પણ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે માત્ર પક્ષીની ડાબી આંખ ઉપર જ એટલે કે લક્ષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને સફળ નીવડ્યો. તેવી રીતે જગતની અંદર તમામ વ્યક્તિમાં ગુણાત્મક સ્વરૂપના જે દર્શન કરે છે, તેની અંદર રહેલ ગુણમય વ્યક્તિત્વને જ નીરખે છે, તે વ્યક્તિ ક્રોધ ઉપર કાબૂ મેળવવામાં સફળ થઈને જ રહે છે. જે વ્યક્તિ ઉપર ગુસ્સો આવે તે વ્યક્તિના પણ ગુણો જ દેખાય તો ગુસ્સો શમ્યા વિના રહે નહીં. દરેક વ્યક્તિના ગુણોને મનમાં નોંધી રાખવા. એમાં પણ ઘરના, નિકટના જે જે પણ સભ્યો હોય કે જેના સંપર્કમાં રોજબરોજ આવવાનું થતું હોય તે તે વ્યક્તિઓના મહત્ત્વપૂર્ણ, આંખે ઉડીને વળગે તેવા ગુણો મગજમાં નોંધી રાખવા. “મારો દીકરો ભલે ભણવામાં કાચો હોય, પણ એકદમ આજ્ઞાંકિત છે, સરળ છે, વાળો તેમ વળી જાય તેવો છે. જો એને પ્રેમથી કહીશ તો ચોક્કસ માની જશે” - આ પ્રમાણે દરેક વ્યક્તિના ગુણો મગજમાં નોંધવામાં આવે અને અવસરે તેનો તે રીતે ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ તેના ઉપરનો ગુસ્સો ઉતરી જાય. કારણ કે જો સામેવાળા ઉપર આપણને પ્રેમ હોય, સદ્ભાવ હોય તો ગુસ્સો થાય તેવી શક્યતા નથી. ઊડે ઊંડે થોડો ઘણો દ્વેષ સંગ્રહીત થયો છે. માટે જ તો ગુસ્સો આવે છે. અને વળી અત્યાર સુધી દરેકના દોષો જ જોયે રાખ્યા છે. પછી ગુસ્સો ન આવે તો થાય શું ? 126