________________ કશું પણ જેના ઉપરની અઢળક પ્રીતિને વશ પોતાને બિહામણું લાગ્યું ન હતું. તે જ નળ રાજા પોતાને આ બધી ભયાનક પરિસ્થિતિમાં પણ રાત્રે ઊંઘતી એકલી છોડી ચાલ્યો ગયો હતો. કેવી ભયાનક આપત્તિ ! પોતાના પ્રાણપ્યારા પતિ તરફથી જ દગો ! માટે જ પ્રભુએ સંસારને સાગરની ઉપમા આપી છે કે જ્યાં આવા તોફાનો, સુનામીઓ વારે વારે આવ્યે જ રાખે છે. પાપોદયની સુનામીઓ વારે વારે તોફાન મચાવી તબાહી વેરવાની જ છે. આવા સમયે સાધક પ્રભુભક્તિના પેટાળમાં પહોંચી જાય. દમયંતી પણ ત્યારે પોતાના પતિ ઉપર દુર્ભાવ જગાવવાને બદલે તરત જ પ્રભુભક્તિના આશરે પહોંચી ગઈ. રાતના અંધારાનો સમય હતો. આવા સમયે જ્યારે આટલી પ્રાણપ્યારી વ્યક્તિ દગો આપી ચાલી જાય ત્યારે કંઈકેટલાય વિચારોદુર્ભાવો મનમાં આવી જાય. પરંતુ દમયંતીને જ્યારે ખાતરી થઈ ગઈ કે નળરાજા ચાલ્યો ગયો છે, ત્યારે તેણે પરમાત્માનું શરણું એકચિત્તે સ્વીકારી લીધું. રાત્રિ હજુ સમાપ્ત થઈ ન હતી. ચારે બાજુ અંધારાનું સામ્રાજ્ય હતું. જંગલી પશુઓનો ભય ભયંકર હતો. આ પરિસ્થિતિમાં ક્યાંય એક પણ ડગલું ભરી શકાય તેમ નથી. એટલું તો ગાઢ અંધારું છે કે ડગલું ભરતા પોતાનો પગ સાપ ઉપર આવ્યો કે નહીં ? - તે પણ જોઈ શકાય તેમ નથી. આવા સમયમાં દમયંતી ત્યાં જ આસન જમાવી પ્રભુના સ્મરણમાં ખોવાઈ ગઈ. પ્રભુભક્તિના ઊંડાણમાં જનાર વ્યક્તિને ફક્ત કે ક્રોધથી જ છૂટકારો મળે છે તેવું નથી, પરંતુ આપત્તિથી પણ છૂટકારો મળી જાય છે. દમયંતીના કપાળમાંથી તેજનો ધોધ વહેવાનો શરૂ થઈ ગયો. ગયા ભવમાં અષ્ટાપદજી તીર્થ ઉપર ર૪ ભગવાનને રત્નના તિલકો ચડાવ્યા હતા, તેનાથી બંધાયેલું પ્રકૃષ્ટ પુણ્ય બીજા ભવમાં જંગલમાં પણ સહાય કરવા આવી પહોંચ્યું. કપાળમાંથી વછૂટતો તેજપુંજ રાની પશુઓથી રક્ષણ બક્ષે છે. જો કટોકટીના સમયે પ્રભુભક્તિના શરણે જવાની તૈયારી હોય તો પરમાત્મા પણ સુરક્ષાની બાંહેધારી આપે છે. 103