________________ 3. તત્ત્વ-સંવેદન : તત્ત્વપ્રતિભાસમાં તો તત્ત્વનું કોરું જ્ઞાન હતું, શુષ્ક બોધ માત્ર હતો; તત્ત્વપરિણતિમાં જ્ઞાન પરિણતિવાળું એટલે કે આત્મા પર એની અસરવાળું બન્યું. હવે તત્ત્વ-સંવેદનમાં જ્ઞાન અમલવાળું બને છે. પરિણતિમાં તત્ત્વ પરિણત થયું, ઠર્યું, ‘એ બરાબર એમ જ છે,” એમ સચોટરૂપે આત્માની આરપાર ઉતરી ગયું એટલું જ, જયારે સંવેદનમાં તત્ત્વને આત્માથી ખરેખર સંવેદવાનું છે. એ ક્યારે થાય ? અમલ થાય ત્યારે. દા.ત. શેય તત્ત્વનો અમલ : શેય તત્ત્વના અમલમાં શેયતા અનુભવવા માંડવી પડે. તેમાં જીવ-અજીવ પ્રત્યે રાગદ્વેષ રહિત અર્થાત્ ઉદાસીન દૃષ્ટિથી જોવાનું કરવું જોઈએ. આમાં કાંઈ પહેલે તબક્કે વીતરાગભાવ ન આવી શકે, છતાં ઇષ્ટ-અનિષ્ટ વિષયો અને વ્યક્તિને રાગદ્વેષની નજરે જોવાનું ઓછું કરાતું જાય, વસ્તુ દર્શનમાં રાગદ્વેષનું મિશ્રણ મોળું મોળું પડતું જાય, ક્રમશઃ આગળ વધતાં અમુક અમુક બિનજરૂરી બાબતોમાં તો રાગદ્વેષ લાવ્યા વિના જાણે આપણને કાંઈ લાગતું વળગતું જ નથી એ રીતે તટસ્થ ભાવનું જ્ઞાન કે દર્શન કેળવતા જવાય, તો વીતરાગ દર્શનની દિશામાં જવાય. ત્યારે જગતમાં જુઓ કે એવી ઢગલાબંધ ચીજો છે, કે જે કાં આપણી નજરે ચઢે છે, અથવા જાણવા-સાંભળવામાં આવે છે, પરંતુ એની સાથે આપણા ચાલુ જીવનને નુકસાનનો કે ઉપયોગોનો કોઈ સંબંધ નથી. બજાર વચ્ચેથી તમે પસાર થઈ રહ્યા છો, સારી-નરસી કોઈ વસ્તુ નજરે ચઢે છે, તમારે એ લેવી મૂકવી નથી, પછી એને જોતાં જોતાં શા સારુ રાગદ્વેષ કરવા ? શા માટે એને રાગદ્વેષની નજરે જોવા ? અર્થાત્ હૃદયના ખીલવા-કરમાવા સાથે, અથવા આંખ-મોઢું ઉલ્લસિત કે બગડેલું કરીને જોવાની શી જરૂર ? ઠીક છે, સમૂળગું એ બંધ ન કરી શકીએ, પરંતુ એમાં કાપ તો મૂકી શકીએ ને ? ઓછું ઓછું તો કરી શકીએ ને ? થોડો થોડો ઉદાસીન ભાવ તો કેળવતા જઈ શકીએ ને ? ઉપાધિ થી સમાધિ તરફ 1 1 2