________________ ગીર્વાણભાષાની ગરિમા એક ભાઈએ જમણા હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે એક નાનો પથ્થર પકડ્યો. તે પથ્થર તે ભાઈને જોવામાં કોઈ વિઘ્ન કરતો નહોતો. તે ભાઈ તે પથ્થરને ધીરે ધીરે પોતાની આંખ પાસે લાવ્યા અને આંખની સામે પથ્થર રાખીને ઊભા રહ્યા. હવે તેમને બરાબર દેખાતું નથી. પથ્થર દૂર હતો ત્યારે બરાબર દેખાતું હતું. પથ્થર આંખ સામે આવતાં દેખાતું બંધ થઈ ગયું. વાત આ છે - આંખ એટલે દષ્ટિ, પથ્થર એટલે ભ્રમ, ભ્રમ વિનાની દષ્ટિથી સાચું જ્ઞાન થાય છે. ભ્રમવાળી દૃષ્ટિથી વિપરીત જ્ઞાન થાય છે. વસ્તુને આપણે કેવી દૃષ્ટિથી જોઈએ છીએ એ મહત્ત્વની વાત છે. દષ્ટિમાંથી ભ્રમ દૂર થશે તો સાચું જ્ઞાન થશે. આ ભ્રમને દૂર કરવા શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી છે. શાસ્ત્રાભ્યાસ માટે ભાષાનું જ્ઞાન જરૂરી છે. આપણા શાસ્ત્રો પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયા છે. આ ભાષાઓના જ્ઞાન વિના શાસ્ત્રાભ્યાસ શક્ય નથી. ચાવી વિના તાળુ ખૂલતું નથી. બધા તાળાઓને ખોલી શકે તેને “માસ્ટર કી' કહેવાય છે. શાસ્ત્રોના તાળાને ખોલવા સંસ્કૃત ભાષાનું જ્ઞાન ચાવી સમાન છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન એ બધા શાસ્ત્રોરૂપી તાળાને ખોલવા માટે “માસ્ટર કી” સમાન છે. “માસ્ટર કી' થી બધા તાળા ખૂલી જાય છે. સંસ્કૃત ભાષાના જ્ઞાનથી બધા શાસ્ત્રો સમજી શકાય છે. મોટા નગરમાં પ્રવેશનાર શું જોવું અને શું ન જોવું ? એની મુંઝવણમાં પડી જાય છે. પણ જે વ્યક્તિ તે નગરમાં પદ્ધતિસર ફરે છે તે બધુ જોઈ શકે છે. સંસ્કૃતભાષાને “ગીર્વાણભાષા' કહી છે, એટલે કે તે દેવોની ભાષા છે. તેમાં નિયમો ઘણા છે. તેથી તે અઘરી અવશ્ય છે. પણ જો તેનો પદ્ધતિસર અભ્યાસ કરાય તો તે સહેલાઈથી ભણી શકાય એવી છે.