________________ ચૌદ પગથિયાની યાત્રા માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચવું હજી સહેલું છે, પેસિફિક મહાસાગરના તળિયે પહોંચવું હજી સહેલું છે, વિમાનમાં બેસીને આકાશમાં દૂર સુદૂર સુધી ઊડવું હજી સહેલું છે, પૃથ્વીની પરિક્રમા કરવી પણ સહેલી છે, ચૌદ રાજલોકના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવું પણ સહેલું છે, પણ ચૌદ પગથિયા ચડવા ખૂબ અઘરા છે. તે ચૌદ પગથિયા છે ચૌદ ગુણસ્થાનકોના. શત્રુંજય અને ગિરનાર પર કલાક - બે કલાકમાં અને સમેતશિખર પર ચાર-છ કલાકમાં ચડી જનારા આપણે અનાદિકાળથી રખડવા છતાં હજી કેટલા પગથિયા (ગુણસ્થાનકો) ચડ્યા છીએ તે આપણો આત્મા અને જ્ઞાનીભગવંતો જાણે છે. ચૌદ ગુણસ્થાનકોની યાત્રા એ એવી યાત્રા છે કે જે કર્યા પછી બીજી કોઈ યાત્રા કરવાની બાકી રહેતી નથી. ચૌદ ગુણસ્થાનકોની યાત્રા ભવભ્રમણયાત્રા પર પૂર્ણવિરામ લગાવી દે છે. બીજી યાત્રાઓમાં શરીરથી ચડાય છે. ચૌદ ગુણસ્થાનકોની યાત્રામાં આત્માએ ચડવાનું છે. બીજી યાત્રાઓમાં સગાની કે મિત્રોની સોબત મળે છે. ચૌદ ગુણસ્થાનકોની યાત્રા આત્માએ એકલાએ કરવાની છે.