________________ ( પ્રકાશકીય) ‘પદાર્થપ્રકાશ ભાગ 26 - ગુણસ્થાનકમારોહનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-વૃત્તિ' પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ સંક્ષેપમાં ખૂબ જ સરસ રીતે સમજાવાયું છે. પૂજય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રેરણા-માર્ગદર્શન-આશીર્વાદ-પરિશ્રમથી આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. અમે પૂજ્ય ગુરુદેવશ્રીના અત્યંત ઋણી છીએ. પગથિયા ચડીને મહેલમાં પહોંચાય છે. તેમ ચૌદ ગુણસ્થાનકો ચડીને મોક્ષમાં પહોંચાય છે. આ ચૌદ ગુણસ્થાનકો પર ક્રમશઃ ચડીને જ જીવ મોક્ષમાં પહોંચે છે. તે સિવાય મોક્ષમાં પહોંચવા માટેનો બીજો કોઈ માર્ગ નથી. માટે ચૌદ ગુણસ્થાનકો પર ચડવું આપણા બધા માટે બહુ જ આવશ્યક છે. તે માટે ચૌદ ગુણસ્થાનકોનું જ્ઞાન હોવું પણ ખૂબ મહત્ત્વનું છે. આ પુસ્તકના માધ્યમે આપણે ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ બરાબર સમજીએ, આપણે ક્યાં છીએ તે નક્કી કરીએ, હજી કેટલું ચડવાનું બાકી છે તે વિચારીએ અને ગુણસ્થાનકો પર ચડતા ચડતા શીધ્ર મોશે પહોંચીએ એજ શુભાભિલાષા. પૂજય ગુરુદેવશ્રીવડે લિખિત-અનુવાદિત-સંકલિત-પ્રેરિત અનેક પુસ્તકો પ્રકાશિત કરવાનો સુંદર લાભ આજસુધી અમને મળ્યો છે. ભવિષ્યમાં પણ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા અનેક પુસ્તકો લખાય, અનુવાદિત કરાય, સંકલિત કરાય, પ્રેરિત કરાય અને તેમનું પ્રકાશન કરવાનો અમૂલ્ય લાભ અમને મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહ