________________ 1 2 ત્રણ મુસાફરોનું દૃષ્ટાંત અને કીડીનું દૃષ્ટાંત વિશેષાવશ્યકભાષ્ય (ગા. ૧૨૧૧-૧૨૧૪)માં ત્રણ મુસાફરોનું દષ્ટાંત આ રીતે કહ્યું છે - ત્રણ મુસાફરો જંગલના માર્ગે સ્વાભાવિક ચાલથી જતા હતા. મોડું થઈ જવાના ભયથી તેઓ ઉતાવળા ચાલવા લાગ્યા. રસ્તામાં બે ચોરો આવ્યા. તેમને જોઈને પહેલો મુસાફર પાછો વળી ગયો, બીજા મુસાફરને ચોરોએ પકડી લીધો, ત્રીજો મુસાફર છટકીને જંગલને ઓળંગીને નગરમાં પહોંચી ગયો. જંગલ = સંસાર. મુસાફરો = જીવો. રસ્તો = લાંબી કર્મસ્થિતિ. ભયસ્થાન = ગ્રન્થિ. બે ચોરો = રાગ-દ્વેષ. પહેલો મુસાફર પાછો વળી ગયો = ગ્રન્થિદેશ સુધી આવીને ફરી કર્મોની લાંબી સ્થિતિ બાંધનારા જીવો. બીજા મુસાફરને ચોરોએ પકડી લીધો = ગ્રન્થિદેશે રહેલા જીવો. ત્રીજો મુસાફર નગરમાં પહોંચી ગયો = ગ્રન્થિભેદ કરીને સમ્યક્ત્વ પામનાર જીવો. વિશેષાવશ્યકભાષ્ય (ગા. ૧૨૦૮-૧૨૧૦)માં કીડીનું દૃષ્ટાંત આ રીતે કહ્યું છે - કેટલીક કીડીઓ પૃથ્વી ઉપર સ્વાભાવિક રીતે જતી હોય છે. કેટલીક કીડીઓ ઠુંઠા ઉપર ચઢે છે. કેટલીક કીડીઓ ઠુંઠા ઉપર ચઢીને ઊડી જાય છે. કેટલીક કીડીઓ ઠુઠાના શિખરે રહે છે. કેટલીક કીડીઓ પાછી નીચે ઊતરી જાય છે.