________________ સમરો મંત્ર ભલો નવકાર નવકારમંત્ર એ જગતનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. તેમાં અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો - આ પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરાયા છે અને તેમનું ફળ બતાવાયું છે. નવકારમંત્રથી બધા પાપોનો નાશ થાય છે. નવકારમંત્ર એ સર્વશ્રેષ્ઠ મંગળ છે. તેનાથી બધા વિન્નો દૂર થાય છે. નવકારમંત્રથી બધી આપત્તિઓ ટળે છે. નવકારમંત્રથી બધી સંપત્તિઓ મળે છે. નવકારમંત્ર એ ચૌદ પૂર્વોનો સાર છે. ચૌદ પૂર્વધર પણ અંતિમસમયે નવકારમંત્રનું સ્મરણ કરે છે. નવકારમંત્રનો મહિમા અપરંપાર છે. મરતી વખતે થયેલા નવકારમંત્રના શ્રવણથી સમડી રાજકુમારી બની. પાર્થકુમારે અડધા બળી ગયેલા સર્પને સેવક પાસે નવકારમંત્ર સંભળાવ્યો અને તે મરીને ધરણેન્દ્ર થયો. શ્રીમતીને મારવા પતિએ ઘડામાં નાંખેલ સર્પ નવકારમંત્રના પ્રભાવથી ફૂલની માળા રૂપે બન્યો. નવકારમંત્રના સ્મરણથી અમરકુમાર મૃત્યુમાંથી બચી ગયો. નવકારમંત્રના 68 અક્ષરો 68 તીર્થો સમાન છે. નવકારમંત્રથી અણિમા, લધિમા વગેરે આઠ સિદ્ધિઓ મળે છે. નવકારમંત્રથી આઠ પ્રકારની બુદ્ધિ મળે છે.