________________ ( પ્રકાશકીય) ‘પદાર્થપ્રકાશ ભાગ 27 - નમસ્કારસ્તવ, પદાર્થસંગ્રહ તથા મૂળગાથાવૃત્તિ' - આ પુસ્તક આજે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પરમપૂજય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રેરણા-માર્ગદર્શન-કૃપાથી આ પુસ્તકનું પ્રકાશન થયું છે. અમે પૂજય ગુરુદેવશ્રીના અત્યંત ઋણી છીએ. શ્રીજિનકીર્તિસૂરિજીએ ‘નમસ્કારસ્તવ' નામના ગ્રંથની રચના કરી છે. તેની ઉપર તેમણે ટીકા પણ રચી છે. તે મૂળગ્રંથ અને તેની ટીકાના આધારે આ પુસ્તકમાં પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં નવકાર મહામંત્રના ભાંગાઓની સંખ્યા, ભાંગાઓનો પ્રસ્તાર (વિસ્તાર), ભાંગાને શોધવો, ભાંગાક્રમાંકને શોધવો, અનાનુપૂર્વી ગણવાનો મહિમા - આ પાંચ વિષયોનું વિવેચન કરાયું છે. આ ગ્રંથ ગણિતવિષયક છે. આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઈ નવકાર મહામંત્રના ભાંગા અને તેમને ગણવાનો મહિમા જાણે અને પોતાના જીવનમાં તે ભાંગાઓ ગણવાની શરૂઆત કરે એ જ શુભેચ્છા. આજસુધી પૂ.ગુરુદેવશ્રી દ્વારા લિખિત-અનુવાદિત-સંપાદિત-પ્રેરિત અનેક પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યાનો અમને અત્યંત આનંદ છે. આગળ પણ પૂ. ગુરુદેવશ્રીના હસ્તે અનેક પુસ્તકો લખાય અને તેમને પ્રકાશિત કરવાનો લાભ અમને મળે એ જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહ