________________ 76 જગતના વિદ્યમાન ધર્મો કેન્દ્રસ્થાને મુકનારી દૃષ્ટિ) અને ભક્તિભાવનાનું પોષણ કરનારા ગુણો પણ હોય. આમ, હિન્દુ દષ્ટિએ સાચો સદાચારી માણસ સાધનાપંથનો પ્રવાસી હોય છે. પ્રત્યેક માણસ આવો સદાચારી બને તેવી હિન્દુ ધર્મની અપેક્ષા છે અને તેથી જ આ પ્રકારના સદાચારને માણસમાત્રનો સાધારણ ધર્મ ગણવામાં આવ્યો છે. 2. હિન્દુ ધર્મમાં ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ 1. ભક્તિનું સ્વરૂપ : ' ભક્તિની વ્યાખ્યા : નારદભક્તિસૂત્રમાં ભક્તિના સ્વરૂપનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે : “હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ. ભગવાનમાં પરમ પ્રેમ એ ભક્તિનું સ્વરૂપ છે, તે અમૃતસ્વરૂપ પણ છે, જે મેળવીને મનુષ્ય સિદ્ધ થાય છે, અમર થાય છે અને તૃપ્ત થાય છે. તે મળ્યા પછી મનુષ્યને કોઈ પ્રકારની ઈચ્છા રહેતી નથી. તેને શોક થતો નથી, તે દ્વેષ કરતો નથી. કોઈ વસ્તુમાં આસક્ત થતો નથી અને તેને વિષયભોગ માટે ઉત્સાહ રહેતો નથી. તે પરમ પ્રેમરૂપ ભક્તિને જાણીને મનુષ્ય ઉન્મત્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે, આત્મામાં રમણ કરવાવાળો થાય છે.”૨૯ ભક્તિનું સાધન હિન્દુ ધર્મશાસ્ત્રોએ સંતપુરુષોના સત્સંગને ભક્તિના ઉદ્ભવનું મુખ્ય સાધન માનેલું છે. ભાગવતમાં કહ્યું છે કે “મહાન સાધુપુરુષોની સેવા એ મોક્ષનું દ્વાર છે અને સ્ત્રીઓના સંગીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે સમદષ્ટિવાળા હોય, શાંત, ક્રોધરહિત, સર્વના મિત્ર અને સદાચારવાળા હોય તેમને મહાન સાધુપુરુષ સમજવા”૩૦ આવા સાધુપુરુષોના સમાગમથી મુમુક્ષુ આ જગતના રાગમાંથી મુક્ત થઈ કેવળ ભગવાનનો અનુરાગી બને છે અને ગીતામાં કહ્યા પ્રમાણે “જે ભગવાનનો અનુરાગી છે તે ભગવાનમાં અને ભગવાન તેનામાં રહે છે.”૩૧ આથી ભાગવતમાં ભગવાન કહે છે કે “સર્વ પ્રકારના સંગથી છોડાવી દે એવા સત્સંગ દ્વારા હું જેવો વશ થાઉં છું, તેવો યોગ, સાંખ્ય ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઈષ્ટ, પૂર્ત, દક્ષિણા વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, યમ, નિયમ વગેરે કોઈ સાધનથી વશ થતો નથી.૩૨ પ્રેમી ભક્તિનો મહિમા : સંતપુરુષો અને ભગવાનની કૃપાથી૩૩ જેમનામાં શુદ્ધ પ્રેમસ્વરૂપ ભક્તિનો ઉદય થયો હોય એવા અનન્ય કે એકાંતિક ભક્તનો મહિમા સમજાવતાં નારદભક્તિસૂત્ર જણાવે છે કે “એવા અનન્યભક્ત કંઠાવરોધ, રોમાંચ અને અશ્રુયુક્ત નેત્રવાળા થઈ પરસ્પર સંભાષણ કરતા પોતાના કુળને અને પૃથ્વીને પણ પવિત્ર કરે છે. એવા ભક્તો તીર્થોને સુતીર્થ કરે છે, કર્મોને સુકર્મ કરે છે અને શાસ્ત્રોને સલ્લાસ્ત્ર કરે છે, કારણ કે તેઓ તન્મય થઈને રહે છે. આવા ભક્તોને જોઈ પિતૃઓ વિદ્યા, રૂપ, કુળ, ધન અને ક્રિયાનો ભેદ રહેતો નથી, કારણ કે બધા ભક્તો ભગવાનના જ છે.”૩૪