________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 41 સુંદર જવાહિરોવાળી કોઈ તિજોરીની સાથે ન આપી શકાય, પણ કોઈ અખૂટ ખાણ સાથે જ સરખાવી શકાય કે જેને જેમ જેમ ઊંડે ખોદીએ તેમ તેમ તેમાંથી કીમતી જવાહિર નીકળતાં જાય.૨૯ ભગવદ્ગીતા : મહાભારતમાં તરત ધ્યાન ખેંચતાં રત્નોમાં ભગવદ્ગીતા સર્વશ્રેષ્ઠ છે, ભગવદ્ગીતા એ મહાભારતના ભીષ્મપર્વનો એક ભાગ છે. સંસ્કૃત સાહિત્યનું એ સર્વથી અધિક લોકપ્રિય ધર્મકાવ્ય છે. વિલિયમ ફોન હબોલ્ટે કહ્યું છે, “જગતની કોઈ પણ જાણીતી ભાષામાં એનાથી અધિક સુંદર તત્ત્વચિંતનવાળું કાવ્ય બીજું નથી; અથવા કહો કે જગતમાં ખરેખરું તત્ત્વચિંતનવાળું એ એક જ કાવ્ય છે, ને એનો જોટો ક્યાંયે શોધ્યો જડે એમ નથી.”૩૦ ગીતાના ઉપદેશનું મૂળ ઉપનિષદો છે. પરંતુ ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે તેમ ગીતાકારે જોયું કે માણસોનાં મનમાં નર્યા તર્કને વિશે ઉમળકો કે ઉત્સાહ ઉપજાવવાનો પ્રયાસ નકામો છે. એટલે એમણે મુખ્ય આધાર તો ઉપનિષદોનો લીધો, પણ એમાં ઉપાસના, ભક્તિ કે પ્રપત્તિના જે અંશો હતા તેને બહાર ખેંચી કાઢ્યા; અને તેની સાથે લોકપ્રિય દેવકથાઓ ને રાષ્ટ્રીય કલ્પનાની મેળવણી કરી. તેને એકરસ બનાવી, તેમાંથી જીવનનું એક અખંડદર્શન ઉપજાવ્યું.”૩૫ ગીતાનો ઉપદેશ એટલો બધો સાર્વત્રિક છે કે તે સર્વ પ્રકારના સાધકોને સર્વ પ્રકારની પરિસ્થિતિમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. આથી જ ગાંધીજીએ ગીતાને “કામધેનુ'ની ઉપમા આપી છે અને કહ્યું છે કે મુશ્કેલીઓ અને મૂંઝવણોના સેંકડો પ્રસંગોએ પોતાને ગીતામાંથી માર્ગદર્શન મળી રહ્યું છે. ગીતાએ તેમને આ અંગે નિરાશ કર્યા હોય તેવો એક પણ પ્રસંગ નથી એમ જણાવતી વખતે ગાંધીજીએ સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ “કામધેનુ' પાસેથી કીમતી દૂધ મેળવવા માટે તેના ભક્તિભાવપૂર્વકના અધ્યયનની આવશ્યકતા છે. 4. પુરાણો : ઇતિહાસોની જેમ પુરાણો પણ બહુજનસમુદાય માટેનાં લોકભોગ્ય શાસ્ત્રો છે. ઇતિહાસોનું મુખ્ય લક્ષ્ય નૈતિક બોધ છે, જ્યારે પુરાણોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પ્રાધાન્ય છે. આમ, ઇતિહાસો અને પુરાણો દ્વારા જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય એ ધાર્મિક જીવનનાં ચારે અંગોનો ઉપદેશ મળી રહેતો હોઈ, તેમના સમૂહને “પાંચમો વેદ' (પંચમો વેદ) કહેવામાં આવે છે. | મુખ્ય પુરાણો અઢાર છે. ઉપ-પુરાણોની સંખ્યા પણ એટલી જ છે. સ્કંદપુરાણમાં ગણાવવામાં આવેલાં અઢાર મુખ્ય પુરાણોનાં નામ આ પ્રમાણે છે : 1. બ્રહ્મપુરણ, 2. પદ્મપુરાણ, 3. વિષ્ણુપુરાણ, 4, શિવપુરાણ, 5. ભાગવતપુરાણ, 6. ભવિષ્યપુરાણ, 7. નારદપુરાણ, 8, માર્કંડેયપુરાણ, 9, અગ્નિપુરાણ, 10. બ્રહ્મવૈવર્તપુરાણ, 11. લિંગપુરાણ, 12. વરાહપુરાણ, 13. સ્કન્દપુરાણ, 14. વામન પુરાણ, 15. કુર્મપુરાણ, 16. મત્સ્યપુરાણ, 17. ગરુડપુરાણ અને 18. બ્રહ્માંડપુરાણ આ બધાં પુરાણોમાં શ્રીમદ્ ભાગવતપુરાણ સૌથી વધારે પ્રચલિત છે.