________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 37 છે. આરણ્યકોમાં આરંભાયેલું ધર્મતત્ત્વચિંતન ઉપનિષદોમાં તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આથી ઉપનિષદોને “વેદાન્ત' (વેદનો અંત) ને નામે ઓળખવામાં આવે છે. ઉપનિષદોની સંખ્યા બસોથી પણ વધારે છે જેમાંથી 1. ઈશ, 2. કેન, 3. કઠ, 4. પ્રશ્ન, 5. મુંડક 6. માંડૂક્ય, 7. તૈત્તિરીય, 8. ઐતરેય, 9. છાંદોગ્ય, 10. બૃહદારણ્યક અને 11. શ્વેતાશ્વેતર એ ખાસ જાણીતાં છે. શંકરાચાર્યે આ અગિયારે ઉપનિષદોનાં ભાષ્ય (અર્થવિવરણ) લખેલાં છે. બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓને થયેલા આત્મા અને પરમાત્મા સંબંધી અનુભવજ્ઞાનનું ઉપનિષદોમાં જે વર્ણન છે તેનો થોડો આસ્વાદ લઈએ. 1. “જીવાત્મા અને પરમાત્મારૂપ બે પક્ષીઓ સાથે રહેનારા મિત્રો છે, અને એક જ શરીરરૂપ વૃક્ષને ભેટીને રહ્યાં છે. તેમાંનું એક પક્ષી (જીવાત્મા) મીઠું લાગતું ફળ ખાય છે, અને બીજું પક્ષી (પરમાત્મા) તેને ન ખાતાં માત્ર (સાક્ષી રૂપે) જોયા જ કરે છે.”૧૭ 2. “જે ભૂતપ્રાણીમાત્રમાં રહે છે, છતાં એ સર્વથી જુદો છે, જેનું સર્વ ભૂતપ્રાણીમાંથી કોઈનેય જ્ઞાન નથી, સર્વભૂતપ્રાણીઓ જેનું શરીર છે, જે સર્વ ભૂતપ્રાણીઓની અંદર રહીને તેમનું નિયમન કરે છે-એ અમૃત અંતર્યામી (પરમાત્મા) તે તારો આત્મા છે.”૧૮ 3. યાજ્ઞવલ્કયે પોતાની પ્રિય પત્ની મૈત્રીયીને કહ્યું : “ખરી રીતે જોતાં પતિ તેને પોતાને કારણે નહિ, પણ આત્માને કારણે પ્રિય લાગે છે. ખરી રીતે જોતાં પત્ની તેને પોતાને કારણે નહિ પણ આત્માને કારણે પ્રિય લાગે છે. ખરી રીતે જોતાં સર્વભૂતપ્રાણીઓ તેમને પોતાને કારણે નહિ, પણ આત્માને કારણે પ્રિય લાગે છે. ખરેખર જે કંઈ પ્રિય લાગે છે તે બધું એને પોતાને કારણે નહિ પણ આત્માને કારણે પ્રિય લાગે છે. માટે હે મૈત્રેયી ! આત્માને જોવાનો છે, સાંભળવાનો છે, ચિંતવવાનો છે અને તેનું ધ્યાન કરવાનું છે. વળી, જ્યારે ખરેખર આત્મા દેખાય છે, સંભળાય છે, એનું ચિંતવન થાય છે અને એ રીતે એનું જ્ઞાન થાય છે ત્યારે બધી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે.”૧૯ 4. “આ આત્મા પ્રવચન સાંભળવાથી નથી મળતો. બુદ્ધિ દ્વારા કે વિદ્વતા વડે પણ તે મેળવી શકાતો નથી. એ આત્મા જેને પસંદ કરે છે (અથવા જે એ આત્માને પસંદ કરે છે, તેને જ એ મળે છે; તેની આગળ જ એ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. આ આત્મા બલીન કે કાયર માણસથી મેળવી શકાતો નથી, તેમજ આળસુ કે બેદરકારને પણ એ મળતો નથી. વળી, ખોટા ખ્યાલોવાળા તપથી પણ એ મેળવી શકાતો નથી. પરંતુ જે માણસ વિવેકપૂર્વક આ ઉપાયો વડે યત્ન કરે છે તેનો આત્મા બ્રહ્મધામમાં પ્રવેશ કરે છે.”૨૦ 5. “જેને મેળવ્યા વિના વાણી મનની સાથે પાછી ફરે છે (મન કે વાણી જેને પામી શકતાં નથી) તે બ્રહ્મના આનંદને જાણનારો ક્યારેય પણ ભય પામતો નથી.”૨૧