________________ 30 જગતના વિદ્યમાન ધમાં દરેક ધર્મના શાસ્ત્રમાં તે ધર્મના તાત્વિક અને નૈતિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય છે અને તેથી ધર્મના અભ્યાસ માટે શાસ્ત્રાધ્યયન એ ઘણું ઉપયોગી સાધન બની રહે છે. શાસ્ત્રનું અધ્યયન ઉપયોગી હોવા ઉપરાંત અનિવાર્ય પણ છે. અમુક ધર્મમાં અમુક માન્યતાનો સ્વીકાર થયો છે કે નહિ એ બાબતનો આખરી અને સર્વમાન્ય નિર્ણય તે ધર્મના શાસ્ત્રને આધારે જ થઈ શકે. શાસ્ત્ર સિવાયના આધારે આવો નિર્ણય લેવામાં આવ્યો હોત તો તેમાં મતભેદ થઈ શકે છે પણ શાસ્ત્રને આધારે કરેલો નિર્ણય વિવાદનો વિષય રહેતો નથી, કારણ કે પ્રત્યેક ધર્મના અનુયાયી પોતાના ધર્મશાસ્ત્રને પવિત્ર અને પ્રમાણભૂત ગણે છે. આમ, કોઈ પણ ધર્મના સિદ્ધાંતો વિશે સાચી અને સર્વમાન્ય માહિતી મેળવવી હોય તો તે ધર્મના શાસ્ત્રનું અધ્યયન અનિવાર્ય છે. કોઈ પણ માણસ અન્ય ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કરે તો તેને તે ધર્મનું જ્ઞાન તો મળે જ છે પણ તે ઉપરાંત આ અભ્યાસને લીધે માણસ પોતાના ધર્મને પણ વધુ સારી રીતે સમજતો થાય છે, અને તેનામાં સર્વધર્મસમભાવને માટે જરૂરી એવી ધાર્મિક ઉદારતાનો ઉદય થાય છે. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં આ મુદ્દાની સ્પષ્ટતા કરીએ. મારું માનવું છે કે દરેક સંસ્કારી સ્ત્રીપુરુષનો જગતના ધર્મશાસ્ત્રો સમભાવથી વાંચવાનો ધર્મ છે. જો બીજા આપણા ધર્મનો આદર કરે એમ ઇચ્છીએ તો આપણે તેમના ધર્મનો પણ તેવો જ આદર કરવો રહ્યો, અને આદર કરવા માટે જગતનાં ધર્મશાસ્ત્રોનો સમભાવભર્યો અભ્યાસ કરવો એ પવિત્ર કર્તવ્ય થઈ પડે છે. બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિંદુધર્મશાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી નથી થઈ. હા, તે ધર્મપુસ્તકોના વાચનથી હિંદુધર્મશાસ્ત્રની મારી સમજ ઉપર ચિરસ્થાયી અસર થઈ છે ખરી. જીવન પ્રતિ મારી દષ્ટિ તે વાચનને લીધે વિશાળ થઈ છે, એ વાચનથી હિંદુધર્મશાસ્ત્રોમાંના ઘણા અગમ્ય ભાગો વધારે સ્પષ્ટ રીતે હું સમજી શક્યો છું.”૧૮ ધર્મના અભ્યાસમાં ધર્મશાસ્ત્રોના અભ્યાસના મહત્ત્વને સમજાવવા ઉપરાંત એ અભ્યાસમાં રાખવા લાયક કાળજી અંગે પણ ગાંધીજીએ નીચે મુજબની સ્પષ્ટતા કરેલી છે. “આમ, જુદા જુદા ધર્મગ્રંથોનો અભ્યાસ કરતાં-કરાવતાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે કે તે તે ધર્મના પ્રસિદ્ધ માણસોએ લખેલા ગ્રંથો વાંચવાવિચારવા જોઈએ મારે ભાગવત વાંચવું હોય તો હું ખ્રિસ્તી મિશનરીએ ટીકાની દૃષ્ટિથી કરેલો તરજુમો ન વાંચું, પણ ભાગવતના ભક્ત કરેલો તરજુમો વાંચું. મારે તરજુમાનો ઉલ્લેખ કરવો પડે છે, કેમ કે આપણે ઘણા ગ્રંથો તરજુમા મારફતે જ વાંચીએ છીએ. તેમ જ બાઈબલ વાંચવું હોય તો તેની હિંદુએ લખેલી ટીકા નહિ વાંચું, સંસ્કારી ખ્રિસ્તીએ તેને વિષે શું લખ્યું છે તે વાંચું. આમ વાંચવાથી આપણને બીજા ધર્મોનો દઢભાજક મળી આવે છે, ને તેમાંથી સંપ્રદાયોની પેલે પાર રહેલો જે શુદ્ધ ધર્મ છે તેની ઝાંખી કરીએ છીએ.”૧૯