________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ નીતિનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે, અને તેથી “ધર્મો” અનેક દેખાતા હોવા છતાં ખરેખર “ધર્મ” એક જ છે. સમીક્ષા : આ પ્રકરણના પ્રારંભમાં આપણે “ધર્મનું એકત્વ અને ધર્મોની અનેકતા” એ વિષે વિચારણા કરેલી જ છે. તેમાં રજૂ થયેલા મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખરી રીતે જોતાં ધર્મનું તત્ત્વ કે મૂળ સ્વરૂપ એક જ છે. પહેલા પ્રકરણમાં આપણે ધર્મ સંબંધી જે કંઈ વિચારણા કરી તે ધર્મના આ મૂળ એક સ્વરૂપને જ લગતી હતી. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે ધર્મ અંગેની સાચી સમજ મેળવવી હોય તો વિવિધ ધર્મો વચ્ચેની વિવિધતા કરતાં તેમની વચ્ચેની એકતા વધારે મહત્ત્વની છે એમ સ્પષ્ટ કરવું એ ખૂબ જ આવશ્યક છે. આમ, ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ ધર્મના શુદ્ધ અને સાચા સ્વરૂપનું જ્ઞાન આપનારો હોઈ, સ્પષ્ટ રીતે આવકારદાયક અને અનુકરણીય છે. પ. સર્વધર્મસમભાવની દૃષ્ટિને અનુસરીને કરવામાં આવતો વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ : ધર્મોના કેટલાક અભ્યાસીઓને એમ લાગે છે કે બધા ધર્મો મૂળભૂત રીતે એક હોવા છતાં તેમાંના પ્રત્યેકમાં ધર્મનું હાર્દ એકસરખી રીતે પ્રગટ થયેલું હોતું નથી. વળી, જુદા જુદા સંયોગોની અસરને લીધે કોઈ પણ ધર્મમાં શુદ્ધ અને સાચી ધાર્મિકતા સાથે જેમનો મેળ ન બેસે તેવાં તત્ત્વો પણ પ્રવેશી ગયાં હોય છે. આનો અર્થ એ કે આ પ્રમાણે વિચારનારા અભ્યાસીઓના મતે દરેક ધર્મમાં સુધારણાને અવકાશ છે. અને જો હમદર્દી અને સર્વધર્મસમભાવની ભાવના સાથે તેમનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો તેનાથી સમગ્ર માનવજાતની ધર્મભાવના વધારે પરિપક્વ અને શુદ્ધ રૂપે પ્રગટ થઈ શકે. ધર્મોના અભ્યાસ પ્રત્યેના આ અભિગમનું જ્વલંત ઉદાહરણ આપણને ડૉ. રાધાકૃષ્ણમાં મળી રહે છે. વિવિધ ધર્મોને હમદર્દાપૂર્વક સમજવાનો યત્ન કરીને તેનાં વિશિષ્ટ અને પ્રભાવક તત્ત્વોની બીજા ધર્મ પર સારી અસર પાડવાના પ્રયોજનથી ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરવાનો સમર્થ પ્રયાસ ડૉ. રાધાકૃષ્ણને કરેલો છે. તેમના મત પ્રમાણે “ભિન્ન ભિન્ન ધર્મો એ ભિન્ન ભિન્ન પ્રયોગો છે, અને તેમની એકબીજા પર અસર પડે ને તેમની વચ્ચે આપ-લે થાય, તો એ સમન્વયના ફળરૂપે એક સ્વતંત્ર ને સર્જનશીલ સંસ્કૃતિ ઉત્પન્ન થવા પામે. એ સર્વધર્મો જગતમાં આજના કરતાં ઉચ્ચતર અને અધિક સ્થાયી જીવનની ઇમારત ચણવાના સંયુક્ત પ્રયત્નમાં ગૂંથાયેલા છે. તેઓ એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહેલા સહચરો છે. એ સર્વના અનુયાયીઓ સાથે સ્નેહ અને સખ્યનો સંબંધ બાંધવો તથા સ્વાર્થ અને અબુદ્ધિ, અન્યાય અને અધર્મનાં બળો પર આક્રમણ કરવું એ આપણું આજનું કર્તવ્ય છે... ડૉ. એસ્ટલીન કાર્પેન્ટર (તુલનાત્મક ધર્મના અભ્યાસનો આરંભ કરનાર વિદ્વાન)નું વલણ પણ આ જ પ્રકારનું હતું. તેમનું રેખાચિત્ર લખનાર એક લેખકે લખ્યું છે કે, ડૉ. કાર્પેન્ટર કબૂલ કરતા કે કોઈ પણ ધર્મ સંપૂર્ણ છે એ માન્યતા તેઓ સ્વીકારી શકે એમ હતું નહિ. તેઓ