________________ 22 જગતના વિદ્યમાન ધર્મો વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે કે લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજ્યના નાગરિકો ધર્મથી વિમુખ નહિ હોવા જોઈએ પણ ધર્મ અંગેની ઊંડી સૂઝ ધરાવનારા, અને તેથી સર્વધર્મસમભાવમાં માનનારા હોવા જોઈએ. અહીં સ્વાભાવિક રીતે સર્વધર્મસમભાવ એટલે શું ?' એ પ્રશ્ન ઊઠે છે. આ પ્રશ્નનો ગાંધીજીએ આપેલો વિગતવાર ઉત્તર નીચે પ્રમાણે છે : - “આપણાં વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન'નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસા દૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે, અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોત તો પછી સત્યનો આગ્રહ શો ? તો તો આપણે પરમેશ્વર થયા. કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ, તો આપણે કલ્પેલો ધર્મ અપૂર્ણ સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી. જેમ ઈશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયા કરે છે, થયા કરવાના. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઈશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઈએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ, પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ, પણ દોષ ટાળીએ. આમ, સમભાવ રાખીએ, એટલે બીજા ધર્મોમાં જે કંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય, એટલું જ નહિ, પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય. બધા ધર્મો ઈશ્વરદત્ત છે. પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી તે અપૂર્ણ છે. ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે જ્યાં લગી એ દષ્ટિ વર્તે ત્યાં લગી સાચા; પણ સહુ ખોટા પણ હોવાનું અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્ત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્માધતા ને દિવ્યદર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતા