________________ 190 જગતના વિદ્યમાન ધર્મો પર ઘેરી અસર કરી. પંડિત સુંદરલાલ “હજરત મહંમદ અને ઇસ્લામ'માં લખે છે કે, “પહેલી જ વારની સિરિયાની મુસાફરીના વર્ણનમાં એક ભલા ખ્રિસ્તી સાધુ બહેરાનું નામ પણ આવે છે. તેના પર બાળક મહંમદના સવાલો, તેમનું ઊંડું સંશોધન, તેમનું વિશાળ હૃદય, તેમની સમજણ અને તેમની ઊંડી દષ્ટિ એ બધાંની ભારે છાપ પડી. યુવાવસ્થામાં મહંમદ વેપારીઓના આડતિયા તરીકે કામ કરતા. તેમની ઇમાનદારીની વેપારીઓમાં ઘણી છાપ હતી. તેથી સૌ તેમને “અલ-અમીન' નામે બોલાવતા. અલ-અમીન એટલે વિશ્વાસુ માણસ. માત્ર વેપારીઓમાં જ નહિ પણ મક્કાની અન્ય પ્રજામાં પણ મહંમદે લોકપ્રિયતા મેળવી હતી. પરદેશીઓ અને નિબળોને મદદ કરવામાં મહંમદ હંમેશાં આગેવાની લેતા અને ગરીબ-ગુરબાંને મદદ કરવામાં મોખરે રહેતા. નાના-મોટા ઝઘડાઓની પતાવટ વખતે પણ લોકો અલ- . અમીનને મધ્યસ્થી બનાવતા.૩ મહંમદ સાહેબ ઘણી વેપારી પેઢીઓમાં આડતિયા તરીકે કામ કરતા હતા. તેમાં કરેશી કટુંબની એક વિધવા બાઈ ખાદિજાની એક ધનાઢય પેઢી હતી. તે બાઈને પોતાની પેઢીનો વહીવટ ચલાવવા માટે એક ઈમાનદાર માણસની જરૂર હતી. કાકા અબુ તાલિબે મહંમદ સાહેબને આ પેઢીમાં ગોઠવી આપ્યા. મહંમદ સાહેબનું પ્રતાપી વ્યક્તિત્વ, વેપારી કુનેહ અને સમાજસેવાની ભાવનાથી આકર્ષાઈને ખદિજાએ પોતાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મહંમદ સાહેબની ઉંમર પચીસ વર્ષની અને આદિજાની ઉંમર ચાલીસ વર્ષની હતી. ઉંમરમાં આટલો બધો ફરક હોવા છતાં મહંમદ સાહેબે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. બંનેનું લગ્નજીવન સુખરૂપ નીવડેલું. ઉપદેશકાળમાં મહંમદ સાહેબને ખાદિજા પાસેથી હૂંફ મળી રહેતી. ખાદિજા મહંમદ સાહેબને હંમેશાં પ્રોત્સાહિત કરતાં. ખાદિજાથી મહંમદ સાહેબને ફાતમા નામની પુત્રી થયેલી, જેનાં લગ્ન હજરત અલી સાથે કરવામાં આવેલાં. ખદિજા સાથેના લગ્ન પછી મહંમદ સાહેબની આર્થિક જવાબદારી ઘટી. બીજો કોઈ સામાન્ય માણસ હોય તો આટલી અઢળક સંપત્તિ પ્રાપ્ત થતાં એશઆરામમાં પડી જાય. જ્યારે મહંમદ સાહેબ નજીકના હીરા પર્વતની ગુફાના એકાંતમાં બેસી ચિંતન અને સાધનામાં સમય વિતાવવા લાગ્યા. તેમનું મન આરબોની સ્થિતિ સુધારવા માટે તલસતું હતું. મહંમદે આ એકાન્ત સાધનામાં લગભગ એક દાયકો પસાર કર્યો. ખુદાતાલાને મેળવવાની તાલાવેલી અનહદ વધી ગઈ. ખાધાપીધા વગર દિવસો સુધી તેઓ ગુફામાં પડી રહ્યા અને પરવરદિગારને પ્રાર્થનાઓ કરતા રહ્યા. ઈ.સ. ૬૧૦માં રમજાનની એક રાતે ખુદાના ફરિસ્તા જિબ્રાઇલે મહંમદને ખુદાની “વહી' આપીને કહ્યું : “ખુદાએ તમને પયગંબર' તરીકે પસંદ કર્યા છે.” અને વળી કહ્યું : “જાહેર કર, તે અલ્લાહને નામે, જેણે સર્વસ્વનું સર્જન કર્યું છે.”