________________ 160 જગતના વિદ્યમાન ધર્મો પાસે આવ્યા. યહૂદીઓએ પૂછ્યું : “અમને બધું આપનારો ઈશ્વર ક્યાં છે?” જવાબમાં મોઝીઝે તેમને સિનાઈ પર્વત બતાવ્યો. મોઝીઝ અવારનવાર સિનાઈ પર્વત પર ચિંતન અને સાધના કરતા હતા. આખરે એક દિવસ એમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. એ ઈશ્વરે પોતાની જાતને યહોવાહ તરીકે ઓળખાવી. પોતાને હાથે મોઝીઝને દસ આજ્ઞાઓ લખી આપી અને ખાતરી આપી છે કે તમે સૌ આ આજ્ઞાનું પાલન કરશો તો હું જરૂર તમારી રક્ષા કરીશ. આ રીતે ઈશ્વરે - “યહોવાહે યહૂદી પ્રજા સાથે કરાર કર્યો. આને જૂનો કરાર - Old Testament અને યહોવાહે આપેલી દસ આજ્ઞાઓને Ten. Commandments કહેવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે : 1. ઇજિપ્તના બંદીખાનામાંથી તને છોડાવનાર હું તારો પ્રભુ છું. 2. મારા સિવાય કોઈને પણ ઈશ્વર માનીશ નહિ. 3. તારે ખોટી રીતે પ્રભુનું નામ લેવું નહિ. 4. અઠવાડિયાના છ દિવસ તું વ્યાવહારિક ઉદ્યમ કર અને સાતમા વિશ્રાંતિના દિવસે ઈશ્વરભજન કર. 5. તારાં માતાપિતાનું તું માન રાખ. 6. તું ખૂન ન કર. 7. તું વ્યભિચાર ન કર. 8. તું ચોરી ન કર. 9. તું તારા પડોશી વિરુદ્ધ ખોટી સાક્ષી ન પૂર. 10. તું તારા પડોશીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખ. સંત મોઝીઝને ઈશ્વરનો સાક્ષાત્કાર થતાં તેઓ પયગંબર બન્યા. તેમણે યહૂદી પ્રજામાં દસ આજ્ઞાઓનો ઉપદેશ આપવા માંડ્યો. આ ઉપદેશથી યહૂદી પ્રજામાં ધર્મ અને નીતિની સાચી ભાવના પ્રગટી. રખડતી, ભટકતી અને ગુલામી દશામાં સબડતી યહૂદી પ્રજાને નીતિપ્રિય અને સંસ્કારી બનાવવાનું મહાન કાર્ય પયગંબર મોઝીઝે કર્યું. આથી તેમને પ્રથમ પયગંબર માનવામાં આવે છે. જૂના કરારરૂપે રજૂ થયેલી દસ આજ્ઞાઓમાં “એકેશ્વરવાદ' એ પાયાનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજાના નિષેધ ઉપરાંત માનવ માનવ વચ્ચે ન્યાયપૂર્ણ અને નીતિમય વ્યવહારનો આદેશ પણ આ આજ્ઞાઓમાંથી મળી રહે છે. અભણ લોકો પણ પોતાની દસ આંગળીઓના ટેરવે ગણીને યાદ રાખી શકે તેવી આ દસ આજ્ઞાઓ માનવીને ધાર્મિક અને નૈતિક જીવન જીવતો કરવા માટે પૂરતી છે. આ દસ આજ્ઞાઓનું મહત્ત્વ સમજાવતાં લૂઈસ બ્રાઉન લખે છે : ““સંક્ષિપ્તતા, વ્યાપકતા, પ્રભાવોત્પાદકતા અને તત્કાલીન યુગનો વિચાર કરતાં ઉચ્ચ નૈતિક ચારિત્ર્યની દષ્ટિએ તેની સાથે સરખામણી કરી શકાય એવું કાંઈ નથી.” 3. યહૂદી ધર્મના અન્ય સંતો : આ સંતોને “પ્રભુની વાણીના ઉદ્દાતાઓ તરીકે વર્ણવવામાં આવે છે. ધાર્મિક શિથિલતામાં સરી પડેલી યહૂદી પ્રજામાં આ સંતોએ પોતાની અસરકારક વાણી દ્વારા નવું બળ પ્રેર્યું છે. તેમના ઉપદેશનો ટૂંક સાર નીચે મુજબ છે :