________________ જગતના વિદ્યમાન ધર્મો અંતર્યામીરૂપે વાસ કરી રહેલો જે હું તેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવરહિતતાની દૃષ્ટિથી પૂજન કરવું ઘટે છે.”૧૩ ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી જ થવો ઘટે (માવત: પ્રથમ ધH: I) એવો મત રજૂ કરતાં બાઇબલ પણ જણાવે છે કે “જે માણસ પોતાની નજર સમક્ષ દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ નથી રાખી શક્તો તે અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે?”૧૪ આમ, સાચી ધાર્મિકતા નીતિમત્તાથી અળગી હોતી જ નથી. - સામાજિક દૃષ્ટિએ જોતાં નીતિ કે સદાચાર એ ધર્મનું સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અંગ છે. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવ સંબંધી કઈ માન્યતાઓ (જ્ઞાન) ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના (ભક્તિ) કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે, જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દષ્ટિએ ઘણું મહત્ત્વ છે. ધાર્મિક જીવનમાં સદાચારના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ ભારતની ધર્મપરંપરામાં નીતિનિયમોનું વર્ણન કરનારાં શાસ્ત્રોને “ધર્મશાસ્ત્રો' કહેવામાં આવે છે. આ રીતે જૈન, બૌદ્ધ કે હિન્દુ ધર્મમાં જયારે ગૃહસ્થ કે સાધુએ પાળવાના નીતિનિયમોની વાત કરવામાં આવે છે ત્યારે એ નીતિનિયમોને ગૃહસ્થના કે સાધુના ધર્મો તરીકે જ ઓળખવામાં આવે છે. સદાચાર કે નીતિ એ સમગ્ર ધાર્મિક જીવન નથી પણ ધાર્મિક જીવનનું કેવળ એક અંગ જ છે. પણ આ અંગે સામાજિક દૃષ્ટિએ એટલું બધું મહત્ત્વનું છે કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ એવું સમીકરણ આપીને ભારતીય ધર્મમીમાંસકોએ કોઈ પણ માણસ ધાર્મિક છે કે નહિ તેનો નિર્ણય કરવા માટેની એક જાહેર કે સામાજિક કસોટી રજૂ કરેલી છે. ગાંધીજીએ પણ આવી જ વાત કરી છે : “મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ, આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. 15 આધુનિક ભારતના જગવિખ્યાત તત્ત્વચિંતક ડૉ. રાધાકૃષ્ણને પણ સદાચાર કે નીતિને ધાર્મિકતાની કસોટી ગણાવેલી છે. તેમના જ શબ્દોમાં કહીએ તો “ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી, પણ પરિવર્તિત જીવન છે. માણસના ધર્મની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહિ પણ તેના ચારિત્ર્યથી અને વલણથી થાય છે. માણસોને આપણે તેમની માન્યતાઓથી નહિ પણ તે માન્યતાઓના ફળથી ઓળખીએ છીએ.” ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાનઃ આપણે જોયું કે જ્ઞાન, ભક્તિ અને કર્મ કે નીતિ એ ધાર્મિક જીવનમાં આવશ્યક પાસાં છે. આ ત્રણેને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે તે સ્વાભાવિક છે અને ગીતા કહે છે તેમ આ જાતનો નિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. સાધકે વિષયભોગનો ત્યાગ કરવો પડે છે અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” આથી વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની જરૂરિયાત બની જાય છે.