________________ 116 જગતના વિદ્યમાન ધર્મો રીતે નુકશાન થાય છે. દુરાચરણથી તેની સંપત્તિ નાશ પામે છે, તેની લોકોમાં અપકીર્તિ થાય છે, કોઈ પણ સભામાં તેનો પ્રભાવ પડતો નથી, તેના વચનમાંથી સામર્થ્ય ચાલ્યું જાય છે, મરણકાળે તેનું ચિત્ત શાંતિ અનુભવતું નથી, અને મરણ પછી તેની દુર્ગતિ થાય છે. પરંતુ હે ગૃહસ્થો ! જે સદાચારી છે તેને પાંચ-છ રીતે લાભ થાય છે. સદાચારથી સંપત્તિ વધે છે, લોકોમાં તેનો યશ ફેલાય છે. કોઈ પણ સભામાં તેનો પ્રભાવ પડે છે, તેની વાણીમાં બળ આવે છે, મરણકાળે તેનું ચિત્ત શાન્તિ અનુભવે છે અને મરણ પછી તેની સુગતિ થાય છે.”૨૭ એક વાર બુદ્ધે કહ્યું, “કોઈ માણસ કળણમાં ખૂંતી ગયો હોય તો તે બીજા માણસને કળણમાંથી બહાર કાઢી શકે નહિ પરંતુ જો તે પોતે કળણમાં ખૂતેલો ન હોય તો જ તે બીજાને કળણમાંથી બહાર કાઢી શકે છે. તેવી જ રીતે, જે માણસ પોતે અસંયમી હોય, અવિનયી હોય અને અશાન્ત હોય તે બીજાને સંયમી બનાવે, વિનયી બનાવે અને શાંત કરે એ અસંભવિત છે. જે પોતે સંયમી, વિનયી અને શાન્ત હોય તે જ બીજાને તેવા બનાવી શકે.”૨૮ 6. ભક્તિઃ બુદ્ધ પ્રત્યે તેમના પ્રત્યક્ષ શિષ્યો અને ઉપાસકોને આદરભાવ હતો. આ આદરભાવ અંધશ્રદ્ધારૂપ ન હતો પરંતુ બુદ્ધિપ્રેરિત હતો. સ્વયં બુદ્ધે પોતાની પરીક્ષા કરવા કહ્યું હતું. તેમણે કાલામોને આપેલો ઉપદેશ તો આપણે જાણીએ છીએ, આમ, તેમના પ્રત્યેની ભક્તિ સ્વપ્રયત્નથી દોષરહિત બનેલા મહામાનવ પ્રત્યેની હતી, કોઈ અલૌકિક વ્યક્તિ પ્રત્યેની ન હતી. વળી, બુદ્ધને શરણે જવાની વાતમાં બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાભક્તિનું એક વિમલ રૂપ જોવા મળે છે. બુદ્ધને શરણે જવાનો અર્થ ધર્મને શરણે જવાનો જ થતો હતો. બુદ્ધને શરણે જનારને એ ભાન હતું કે બુદ્ધ નિર્વાણનો માર્ગ દેખાડવા સિવાય બીજો કોઈ અનુગ્રહ કરવાના નથી છેવટે ધર્મનો સાક્ષાત્કાર દરેક પોતે કરવાનો છે. આમ, બુદ્ધનું શરણ એ અનુગ્રહ કરનાર ઈશ્વરનું શરણ ન હતું. બુદ્ધાનુસ્મૃતિ (= બુદ્ધનું ધ્યાન) પણ સાધનાનું અંગ હતી. તેને પણ એક રીતે બુદ્ધભક્તિના આવિર્ભાવનું એકરૂપ ગણી શકાય. અનુગ્રહની બુદ્ધિથી નહિ પરંતુ બુદ્ધના ધ્યાન દ્વારા ચિત્ત શુદ્ધ બનશે એવી બુદ્ધિથી જ સાધક બુદ્ધાનુસ્મૃતિ કરતો. દરેકને પોતાનાં કર્મ ભોગવવા પડે છે, એમાં બુદ્ધ કંઈ હસ્તક્ષેપ કરતા નથી એ માન્યતા વ્યાપક હતી. બુદ્ધ ધર્મને જ ગુરૂ ગણવાની સલાહ આપી હતી. બુદ્ધ ધર્મને જ પ્રાધાન્ય આપનાર હતા. વ્યક્તિને નહિ. આથી વ્યક્તિપૂજા કે વ્યક્તિભક્તિને તેમણે ખાસ અવકાશ આપ્યો ન હતો. બુદ્ધ પોતાની કાયાને ગંદી સમજતા હતા, એટલે તેઓ કદી ન ઈચ્છે કે પોતાની કાયાની મૂર્તિઓ થાય અને તેની પૂજા થાય. બુદ્ધે પોતાના શરીરની રાખ અને અસ્થિ ઉપર સ્તૂપો બનાવવાનું અને પોતાના જન્મસ્થાન વગેરે સ્થાનોની યાત્રા કરવાનું કહ્યું હોય તેમ લાગતું નથી. પરંતુ પરિનિર્વાણસુત્તમાં તેમણે આમ કહ્યું હોવાનું જણાવ્યું છે. સાચી વાત તો એ લાગે છે કે સામાન્ય ભાવુક માણસને કંઈક