________________ બૌદ્ધ ધર્મ 105 સમજાઈ. તેમણે ફરી ધ્યાનમાર્ગ તરફ વળવાનો નિશ્ચય કર્યો. ધ્યાનમાં પણ ચિત્તને અને સમગ્ર જગતને મૈત્રીથી ભરી દેનારું ધ્યાન જ તેમને સાચો પરમ શાન્તિનો ઉપાય લાગ્યો. દેહદંડના માર્ગની સમાજમાં પ્રતિષ્ઠા હતી. તેને છોડી દે તો લોકો હણું બોલે. પરંતુ ગૌતમે તેની પરવા કરી નહિ. તેમણે ઘોર તપનો માર્ગ છોડી દીધો. પરિણામે પેલા પાંચ ભદ્રવર્ગીય ભિક્ષુઓ તેમને છોડી ચાલ્યા ગયા. ધ્યાનમાર્ગમાં માર સાથે સંગ્રામ ખેલવો પડે છે. ગૌતમે અપ્રમત્તપણે આવો સંગ્રામ ખેલવા માંડ્યો. માર તૃષ્ણા અને ચિત્તગત દુવૃત્તિઓનું પ્રતીક છે. ગૌતમ સતત જાગ્રત રહ્યા-રખેને દુવૃત્તિ ચિત્તમાં પ્રવેશી જાય. સતત જાગ્રત રહીને અને ધ્યાન કરીને તેમણે ચિત્તની બધી દુવૃત્તિઓ અને કુવાસનાઓનો નાશ કરવા માંડ્યો. વૈશાખી પૂર્ણિમા હતી. સુજાતા નામે એક કુલીન કન્યાએ ગૌતમને ભિક્ષામાં ખીર આપી. નરંજરા નદીને તીરે ખીરનું ભોજન કરી તે પીપળાના વૃક્ષ નીચે ગયા. ત્યાં ધ્યાન ધર્યું. માર સાથે યુદ્ધ શરૂ થયું. મારનો સંપૂર્ણ પરાજય થયો. ચિત્ત નિર્મળ થયું. રાતનો સમય હતો ગૌતમને પરમ જ્ઞાન (સંબોધિ) થયું. તે બુદ્ધ બન્યા. તેમને પરમ શાન્તિનો લાભ થયો. સાત દિવસ સુધી વિમુક્તિના સુખને અનુભવતા એ જ સ્થાને તે બેસી રહ્યા. સાતમી રાત્રિના છેલ્લા પ્રહરે તેમણે ઉદ્ગાર કાઢ્યા કે ધર્મજ્ઞાનનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે મારની સેનાનો ધ્વંસ થઈ જાય છે અને તે પરમ જ્ઞાન સૂર્યની જેમ પ્રકાશે છે. સંબોધિની પ્રાપ્તિ પછી ગૌતમને લાગ્યું કે મેં શોધેલો માર્ગ લોકપ્રવાહથી ઊલટો જનારો છે, ગંભીર છે. સૂક્ષ્મ છે; તેને અજ્ઞાની અને કામાસક્ત લોકો નહિ સમજી શકે; તેનો ઉપદેશ લોકોને આપવો તે વ્યર્થ છે. પરંતુ પછી તરત જ તેમનામાં કરુણામૈત્રી-મુદિતા-ઉપેક્ષાની ભાવના જાગી. લોકોને દુઃખથી પીડાતા જોઈ કરુણા જાગી અને તેમને દુઃખમુક્ત થવાનો માર્ગ બતાવવા સંકલ્પ કર્યો. સર્વ જીવો પ્રત્યેની મૈત્રીએ તે સંકલ્પને દઢ કર્યો. જો કોઈ માર્ગને ગ્રહણ કરશે તો તેનાથી પોતે મોદ પામશે અને જો કોઈ માર્ગને ગ્રહણ નહિ કરે તો પોતે ઉપેક્ષા-ઉદાસીનતા સેવશે એવું તેમણે નક્કી કર્યું. આમ, લોકકલ્યાણાર્થે પોતે શોધેલા દુઃખમુક્તિના માર્ગનો ઉપદેશ આપવાનો બુદ્ધ નિર્ણય કર્યો અને પોતાના આ અભિનવ ધર્મમાર્ગનો ઉપદેશ પહેલવહેલો પેલા ભદ્રવર્ગીય પાંચ ભિક્ષુઓને દેવાનો તેમણે નિર્ણય કર્યો. તે ભિક્ષુઓ તે વખતે વારાણસી પાસે ઋષિપતનમાં હતા. તે ત્યાં ગયા. ત્યાં તેમણે તેમને ઉપદેશ આપ્યો. આ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. પછી તો બુદ્ધે પોતાની ઉપદેસગંગા જનતા માટે વહાવી. અનેક સ્ત્રી પુરુષો ભિક્ષુભિક્ષુણી બન્યાં. સમૃદ્ધ શ્રેષ્ઠિઓ, ક્ષત્રિયો અને રાજારાણીઓ બૌદ્ધ ધર્મના ઉપાસકો બન્યા. કર્મારપુત્ર ચુંદ, લૂંટારો અંગુલિમાલ અને ગણિકા આમ્રપાલી જેવાં પણ બુદ્ધને શરણે આવ્યાં. બુદ્ધ બુદ્ધિવાદી હતા. તેમણે લોકોને વ્યક્તિને શરણે નહિ પણ યુક્તિને અર્થાત બુદ્ધિને શરણે જવાનું કહ્યું છે. એક વાર તેમણે કાલામોને કહ્યું, “હે કાલામો! મેં તમને